Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 57
________________ ઝેરી વાયુનું પ્રસરણ થાય છે, એને કેમ નાથવું એ પ્રશ્ન વિકરાળ બનતો જાય છે. પર્યાવરણને લીધે અકુદરતી મોતને ભેટવાના ઘણા કિસ્સા આજ સુધીમાં નોંધાયા છે. નદીઓ ઘણી જગ્યાએ પાણીને બદલે રસાયણો વહેવડાવતી થઈ ગઈ છે. જંતુનાશક દવાની અસરો આપણા અનાજમાં વધુ ને વધુ દેખાવા માંડી છે. મોટા ભાગની જમીનો ઝેરી તત્ત્વોથી દૂષિત થઈ ગઈ છે. ભૂતળનાં પાણી ઘટતાં જાય છે અને નદીઓનાં જે પાણી દૂષિત થયેલાં છે તેને પીવાલાયક બનાવવાનું હજી શક્ય બન્યું નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં, જનસમુદાયમાં પર્યાવરણીય જોખમો વિશે સ્પષ્ટ સમજ ઊભી થાય, અને આ જોખમને નાથવા કે જોખમોથી બચવા માટે કામ કરી શકે તેવા કાર્યકર્તાઓની એક જમાત ઊભી થાય, એ અત્યંત જરૂરનું છે. પર્યાવરણીય જોખમો સામે અસરકારક રીતે કામ કરવા માટે આપણે આપણાં મૂલ્યો, વલણો, નિષ્ઠા, કૌશલ્યો બધામાં જ બદલાવ લાવવો પડશે. આપણે આપણા ઘરમાં જે કરીએ છીએ, આપણે જે ખરીદીએ છીએ, આપણો થાક જે રીતે ઉતારીએ છીએ. આ બધાંની અસર પર્યાવરણ પર પડે છે, અને એટલે એની બરાબર છણાવટ કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ કદાચ એમાંથી જ મળશે. ઝડપથી ઘટતા જતાં આપણાં કુદરતી સંસાધનોને બચાવવાં માટે કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો દ્વારા જે રીતે સઘન પ્રયાસો આદરી રહી છે, તે જ રીતે સમાજના બધા વર્ગોમાં પર્યાવરણના સંરક્ષણ સંદર્ભે જાગૃતિ લાવવાનું કામ કરવાની જરૂર છે. સત્તાવાર ને બિનસત્તાવાર જે સંસ્થાઓ પર્યાવરણનાં રક્ષણ માટે કામ કરે છે, તેમણે પર્યાવરણીય પડકારોના વિસ્તાર ગંભીરતા અને એના ઉકેલ વિશેના બધાં ઉપલબ્ધ જ્ઞાનને જનસમુદાયમાં પહોંચાડવું પડશે. પર્યાવરણીય જોખમો એ જનસમુદાયે ફેલાવેલાં પ્રદૂષણનું પરિણામ છે અને આથી જ એનો ઉકેલ પણ જનસમુદાયના હાથમાં જ છે. લોકો જો આ વાત સમજશે અને આપણે જો પર્યાવરણીય જોખમો પર કામ કરવાયોગ્ય માનવશ્રમ તૈયાર કર્યો હશે, તો આપણે આપણી રોજબરોજની જિંદગીમાં આ સંભવિત જોખમો સામે લડી શકીશું. આ માટે પર્યાવરણીય શિક્ષણમાં આપણે મોટું મૂડીરોકાણ કરવું પડશે. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રોજબરોજનાં જીવનને અસર કરનાર પર્યાવરણીય સમસ્યાઓને માત્ર શિક્ષણના માધ્યમથી જ આપણે ઉકેલી શકીશું. ૧૧૦ આદર્શ કેળવણીનું ઉપનિષદ યુનેસ્કો અને સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમ અન્વયે પર્યાવરણીય શિક્ષણની એક સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનો પ્રયાસ થયો છે. એ પ્રમાણે પર્યાવરણીય શિક્ષણ એ સતત ચાલતું કાયમી શિક્ષણ છે. એનો ઉદ્દેશ આ શિક્ષણ લેનારને એના પર્યાવરણ બાબતે જાગૃત કરવાનો છે અને જરૂરી માહિતી, મૂલ્યો, કૌશલ્યો, અનુભવો અને નિર્ણયશક્તિ આપવાનો છે. એટલે વ્યક્તિગત ધોરણે કે સામુદાયિક ધોરણે પ્રવર્તમાન અને ભવિષ્યમાં ઊભા થનારા પર્યાવરણીય પ્રશ્નો પર તે કામ કરી શકે અને એમાં નેતાગીરી લઈ શકે. આવું શિક્ષણ આપવા માટે આમ તો આપણી પાસે જે શિક્ષણ સંસ્થાઓ છે, તેનો જ ઉપયોગ કરવાની નીતિ ઉત્તમ સાબિત થઈ શકે. બાળકોમાં આતુરતા વધારે હોય છે અને વૃદ્ધો કરતાં પર્યાવરણ પ્રેરિત જીવનપદ્ધતિને અપનાવવાનું એમને માટે વધારે સરળ હોય છે. જેમ આપણે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભાષા વગેરે શીખીએ છીએ, તે જ રીતે પર્યાવરણનું શિક્ષણ દસ ધોરણથી માંડીને કૉલેજ સુધીની શિક્ષણ સંસ્થાઓમાં અપાવું જોઈએ. શિક્ષકોએ એમના યુવાન વિદ્યાર્થીઓને કચરો ઘટાડવાના, કચરાને રીસાઇકલ કરવા બાબતના, સંસાધનનો બચાવવાના રસ્તાઓ અપનાવવા પ્રેરવા જોઈએ. આ જ પર્યાવરણનું સાચું શિક્ષણ છે. પર્યાવરણીય શિક્ષણ એ કોઈ નવો વિચાર નથી, પણ આ દેશમાં એ વિશેનું કોઈ ઔપચારિક શિક્ષણ શરૂ થયું નથી. ગૂજરાત વિદ્યાપીઠે આ બાબતે એક નાનકડી શરૂઆત કરી છે અને સમાજ માનવશાસ્ત્રના અને ગ્રામીણ અર્થશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસક્રમમાં Ecology and Environment પર એક આખો કોર્સ દાખલ કર્યો છે. આ જ વિષયમાં અનુપારંગતનો અભ્યાસક્રમ પણ વિદ્યાપીઠમાં શરૂ થયો છે. ‘હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પર્યાવરણીય શિક્ષણનું એક વિશેષ કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.' આપણે પર્યાવરણને સુધારવા અને રક્ષણ કરવા માટે જરૂરી એવું જ્ઞાન મૂલ્યો, વલણો, નિષ્ઠા, સામાજિક કૌશલ્યો મેળવવાની તક દેશના દરેક નાગરિકને મળે એવું કરવું પડશે. નવી સદીમાં આપણા સૌનું એ દાયિત્વ બની રહેશે. સમુદાય શિક્ષણ માટે આ આવનાર સદીનો પડકાર છે. (આ લેખ ૧૯૯૦ના પ્રારંભમાં નવી સદીની શિક્ષણની આવશ્યકતા સંદર્ભમાં થયેલ પ્રવચનનો સાર છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૧૧

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93