________________
કૃષ્ણમૂર્તિ કહે છે તેમ - સાચો શિક્ષક શું વિચારવું એ નથી શીખવતો, પરંતુ કેમ વિચારવું એ શીખવે છે.' આજના શિક્ષકો કોળિયો ચાવીને વિદ્યાર્થીના મોંમાં મૂકતા હોય તેવી સ્થિતિ છે. જ્યારે વિદ્યાર્થી કેમ વિચારવું એ શીખે છે ત્યારે તેની સર્જનાત્મકતા અને મૌલિકતાનો વિકાસ થાય છે. તેમાંથી વિદ્યાર્થીની અવલોકનશક્તિ, તર્કશક્તિ, અસમાનને પડખોપડખ મૂકીને જોવાની ક્ષમતા, લઘુ ઉપરથી વ્યાપક એકમ ઉપર જવાની શક્તિ, પ્રસ્તુત વિષયનો જીવન સાથે અનુબંધ કરીને પામવાની શક્તિનો વિકાસ થાય છે. આ જ તો શિક્ષક-વિદ્યાર્થીની જ્ઞાનની ખોજ છે, ઉપનિષદ છે.
બાળક ઘર, શેરી અને સમાજમાંથી અનેક બાબતો ગ્રહણ કરે છે. એમાંથી એનાં ટેવો, માન્યતાઓ, વલણો, સ્થૂળતા કે સૂક્ષ્મતા, સંકુચિતતા કે વ્યાપકતા વિકસ્યાં હોય છે. સાચો શિક્ષક વિષયશિક્ષણ, પ્રવૃત્તિઓ કે કાર્યક્રમોને એવી રીતે દૃષ્ટિપૂર્વક યોજે છે કે વિદ્યાર્થી ક્રમશઃ સંકુચિતતા કે મર્યાદામાંથી મુક્ત થતો જાય છે. એ વ્યાપક હિતની દૃષ્ટિએ જોતો - વિચારતો થાય છે.
આપણે સંકુચિત અને આપરખા બનીએ છીએ; કારણ કે આપણી બુદ્ધિ નિરભ્ર નથી હોતી. જેમ આકાશમાંથી આવતાં સૂર્યનાં કિરણો આડે વાદળાં આવી જાય તો કિરણો પૃથ્વી ઉપર પૂરેપૂરાં આવી શકતાં નથી; એમ લાગણીપ્રેરિત આવેગો, જ્ઞાતિ - જાતિ - ધર્મની સાંકડી દીવાલોમાં આપણે બદ્ધ હોઈએ છીએ ત્યારે આપણે પારદર્શક રીતે જોઈ શકતા નથી, આપણું દર્શન ધૂંધળું બની જાય છે. નિરભ્ર બુદ્ધિથી પ્રશ્નોને સમજતા થઈએ છીએ, ત્યારે સાચું જીવન એટલે કેવું જીવન તે સમજાય છે. એમાં સૌથી વધારે નિર્ણાયક પ્રક્રિયા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે થાય છે.
આજે શિક્ષક - વિદ્યાર્થી સંબંધ વિકૃત થયો છે, બજારનો (લેવડદેવડનો) સંબંધ થયો છે, એટલે શિક્ષણક્ષેત્રમાં સમસ્યાઓ સર્જાણી છે. આખી પ્રક્રિયા કૃત્રિમ અને સ્થૂલ બની ગઈ છે. એમાં સૌથી મોટો ભોગ લેવાય છે વિદ્યાર્થીની સર્જનાત્મકતાનો અને પારદર્શક બુદ્ધિનો. ઉત્તમ કેળવણીને પરિણામે રાષ્ટ્રને ઉત્તમ વૈજ્ઞાનિક, વ્યાપારી, ઉદ્યોગ સાહસિક, વહીવટદાર, શિક્ષક, ખેડૂત અને બીજાં કામો કરનાર મળે એવી અપેક્ષા હોય છે; પરંતુ આજની વિકૃત શિક્ષણપ્રક્રિયાને કારણે બેજવાબદાર સ્વાર્થી, આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૩૮
ભ્રષ્ટ, ચાલાકીવાળા, નાદાર પ્રજાજનો મળે છે. આ ગંભીર ખોટનો મૂળભૂત ઉપાય છે શિક્ષક-વિદ્યાર્થી સંબંધની ગરિમાની સ્થાપના કરવી. સાધનો - પદ્ધતિઓ - ટેનિકને દ્વિતીય ક્રમે મૂકવાં, શિક્ષકને પ્રથમ ક્રમે મૂકવો.
આપણું શિક્ષણ જે ભયંકર ઝડપે અવનતિ પામી રહ્યું છે, એને અટકાવવું હોય તો શિક્ષકત્વનો સાચો મહિમા શો છે તે વિશે સ્પષ્ટ થવું પડશે. કહી તો એમ શકાય કે - જ્યારે કોઈ રાષ્ટ્ર નબળું પડે કે હારે ત્યારે એનો શિક્ષક નબળો પડ્યો હોય છે, હાર્યો હોય છે. કોઈ રાષ્ટ્ર ગૌરવપૂર્ણ અને સફળ થયું હોય છે ત્યારે એનો શિક્ષક ગૌરવપૂર્ણ અને સફળ થયો હોય છે.’
શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એ કેળવણીનું બુનિયાદી તત્ત્વ છે. એનાં પોષણ, વિકાસ અને ઊંચાઈ એ સમગ્ર કેળવણીપ્રક્રિયાની સાર્થકતા હોય છે.
(લેખકના શિક્ષણ અને વિવિધ સાહિત્યનાં ૧૪ અને સંપાદનનાં ૬ પુસ્તકો પ્રગટ થયાં છે. લોક ભારતી - સણોસરામાં ૩૬ વર્ષ સેવા પ્રદાન. હાલ શિક્ષણ અને સાહિત્યની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.)
܀
સાચો શિક્ષક એ છે,
જે અવિરામ સ્વાધ્યાય કરે છે અને
જે જ્ઞાન મેળવ્યું છે તેને નિરંતર દાન કરતો રહે છે.
આદર્શ કેળવણીનું ઉપનિષદ
- ઉપનિષદ
૧૩૯