________________
ભણાવતી વખતે શિક્ષકના મનમાં કાયમ માટે ચોંટી જાય છે. મેઘાણીની એક વાર્તા છે - શેત્રુંજીને કાંઠે.' આર્થિક અસમાનતાને કારણે દેવરો - આણલદે પરણી શકતાં નથી. આણલદેનાં લગ્ન ઢોલરા સાથે થાય છે. આણલદે તો મનથી દેવરાને વરી ચૂકી છે એવું જાણ્યા પછી ઢોલરો આણલદેને બહેન માની દેવરાને સોંપે છે. આજે પણ જે ઉદારતા ઘણી વિરલ ગણાય, તેવી ઉદારતા એ સમયે જાણે સહજ હતી. ઢોલરાની ઉદારતાથી ગદ્દગદિત થઈ ગયેલો દેવરો પોતાની બેય બહેનોને દેવરા સાથે પરણાવે છે. આટલું કર્યા પછી પણ ‘ઢોલરાના ઋણમાંથી પોતે મુક્ત નહિ થાય' એમ દેવરો માને છે. વાર્તાનો બહુ જાણીતો દુહો છે : દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ, એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.
ગુજરાતી ભાષાની તળપદી તાકાતનો પરચો તો માતૃભાષા દ્વારા ભણનારા વિદ્યાર્થીઓને જ મળી શકે. માતૃભાષાની શક્તિ અને એના સૌંદર્યથી અજાણ રહેનાર ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ શું ગુમાવે છે એનો અંદાજ ન તો એ વિદ્યાર્થીઓને કદી આવવાનો કે ન એમનાં માતા-પિતાઓને.
શ્રવણ-કૌશલ્ય અને વાક્-કૌશલ્ય ભાષાશિક્ષણનાં અગત્યનાં કૌશલ્યો છે. ‘શ્રવણ’ એટલે માત્ર સાંભળવું તે નહિ; પણ એકાગ્રતાથી સાંભળવું. બોલનાર કહે તે જ સાંભળવું - એવો થાય. બાપુ ઘણી વાર કહે છે કે - જે સારો શ્રોતા હોય એ જ સારો વક્તા બની શકે.' આજે એકાગ્રતાપૂર્વક સાંભળનારાં કેટલાં ? બોલનારના મનમાં જે અર્થ હોય તે જ અર્થ ગ્રહણ કરનારાં કેટલાં ? સામેની વ્યક્તિની પ્રતિકૂળ વાત ધીરજપૂર્વક સાંભળનારાં કેટલાં ? વૉલ્ટેરે કહ્યું છે - ‘તમારી વાત સાથે હું સંમત નથી, પણ વાત કહેવાની તમારી સ્વતંત્રતા માટે હું મારો જીવ આપી દેવા તૈયાર છું.' આવી સહિષ્ણુતા આજે કેટલા માણસોમાં હોય છે ? ‘વાક્-કૌશલ્ય' એટલે વાણીની કુશળતા એવો સાદો અર્થ નથી. ‘વાક્-કૌશલ્ય’ એટલે ‘વાક્પટુતા’ પણ નહિ. ‘વાક્-કૌશલ્ય’ એટલે હૃદય અને વાણીની એકતા. આજના સમયની આ સૌથી મોટી સમસ્યા છે. માણસનું હૃદય અને એની વાણી છૂટા પડી ગયા છે. બાપુ કહે છે કે - શબ્દ જો હૃદયમાંથી ન નીકળે તો મા સરસ્વતી શાપ આપે.' પણ આવા | ૧૨૪ આદર્શ કેળવણીનું ઉપનિષદ
શાપનો ડર બહુ ઓછાંને લાગે છે. ઉમાશંકર જોશીનું જે કાવ્ય મેં પ્રારંભમાં વાચ્યું, એમાં પણ -
“સુધા કર્ણ સીચે ગુણાળી રસાળી કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી.’
એવી પંક્તિઓ આવે છે. હૃદયમાંથી નીકળેલી વાણી સાંભળવા માટે અને હૃદયના ભાવો પ્રગટ કરવા માટે માતૃભાષા જેવી કોઈ બીજી ભાષા કામ આવતી નથી.
આજે કમ્યુનિકેશનનાં સાધનોમાં ક્રાંતિ આવી છે. મોબાઈલનું બટન દાબવાથી થોડી મિનિટોમાં સાત સમંદરની પાર સંદેશો પહોંચાડી શકાય છે કે રૂબરૂ વાત પણ થઈ શકે છે. હા-રૂ-બ-રૂ જ; કારણ કે એકબીજાનાં ચહેરાઓ પણ જોઈ શકાય છે. એ જ રીતે મ્પ્યુટરની કળ દબાવવાથી દૂર-સુદૂર સંદેશાઓ પહોંચી શકે છે. આપણી અભિનયશક્તિ ઘણી વિકસી છે, એટલે બોલતી વખતે બોલનારના કે સાંભળતી વખતે સાંભળનારના હૃદયના ખરેખરા ભાવો જાણી શકાતા નથી. ભાષાનાં કૌશલ્યના શિક્ષણનો પ્રારંભ જો માતૃભાષા દ્વારા ન થાય તો માતૃભાષા ક્યારેય આત્મસાત્ ન થાય. અને જો માતૃભાષાનો હ્રાસ થાય તો માણસાઈનો પણ હ્રાસ થાય છે એ સત્ય જો વેળાસર નહિ સમજીએ તો આપણે ક્યાં જઈને ઊભા રહીશું એની કલ્પના પણ થઈ શકતી નથી.
માતૃભાષાના માધ્યમ દ્વારા નહિ ભણેલા વિદ્યાર્થીની કારકિર્દી ગમે તેટલી ઉજ્જવળ હોય, તોયે - એ ગમે એટલો શ્રીમંત થાય તોયે - વાડીવજીફા, નોકરચાકરની દોમદોમ સાહ્યબી એ ભોગવતો હોય તોપણ એ અંદરથી સાવ ગરીબ હોવાનો. માતૃભાષા વિશેના પોતાના લેખમાં ગુણવંત શાહે વિજયદાન દેથાની પંક્તિઓ ટાંકી છે -
મનુષ્ય ચાહે જિતના બડા પદ પ્રાપ્ત કર લે, અસીમ દૌલત સંચિત કર લે;
યા
યદિ વહ ભીતર સે મનુષ્ય નહીં હૈ, તો વહ એકદમ તુચ્છ હૈ !'
દુનિયામાં નાનો કે મોટો કોઈ દેશ એવો નથી જ્યાં માતૃભાષા સિવાયના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય. જે માતૃભાષાના સાહિત્યનું આકલન કરી શકે છે, તે જ બીજી ભાષાના સાહિત્યનું આકલન કરી શકે છે. અને હ્રદયને સમૃદ્ધ બનાવી શકે છે. આજે અંગ્રેજી માધ્યમ દ્વારા આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૨૫