Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ આજે વ્યક્તિત્વ-વિકાસ માટે પૉઝિટિવ થિન્કિંગનો ઘણો મહિમા થાય છે. “થિન્ક બિગ - હંમેશાં ઊંચું લક્ષ્ય રાખો' એવી શિખામણ આજની યુવાપેઢીને સતત આપવામાં આવી રહી છે. “નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.” એવી આપણી ભાષાના એક મોટા કવિ બલવંતરાય ઠાકોરની પંક્તિ છે. કારકિર્દી માર્ગદર્શકો જે વાત આજે કરે છે, એ વાત એક સમયે એક નિરક્ષર માતા આવાં હાલરડાં દ્વારા કરતી હતી. બાળક ભલે ગરીબ ખોરડે જમ્યો હોય, પણ મા બાળકની કલ્પના રાજા ભોજ તરીકે કરે છે, અને એ રીતે જીવનમાં ઊંચું લક્ષ્ય સેવવાની શિખામણ આપે છે. નાનું બાળક આમાં શું સમજે? એવો પ્રશ્ન ઘણો અણસમજભર્યો છે. આપણું મગજ વિશ્વનિયતાનું રચેલું એક અદ્ભુત કૉપ્યુટર છે. એમાં નાખેલું સૉફટવેર એની રીતે વિકસીને એક દિવસ જરૂર જવાબ દેશે. દરેક મનુષ્ય દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ લઈને જન્મે છે. આસુરીસંપત્તિ એ મનુષ્યચેતનાને લાગેલા વાયરસ છે. શિક્ષણે આ વાયરસ નાબૂદ કરીને દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે. આવા શિક્ષણનો પ્રારંભ માતાના ગર્ભમાંથી થાય છે. માતા દ્વારા થયેલા મારા પોતાના ભાવજગતના ઘડતરની કેટલીક વાતો મારે તમને કહેવી છે : મારાં બા નિરીક્ષર હતાં. બહુ મોટી ઉંમરે વાંચતાં શીખેલાં. પણ એમનું ભાષાપ્રભુત્વ અસાધારણ હતું. એમના ભાષાપ્રભુત્વ વિશે મેં લખ્યું છે કે - મેઘાણીની પાત્રસૃષ્ટિનું કોઈ પાત્ર - કોઈ કાઠિયાણી કે ચારણ્યનું પાત્ર બોલતું હોય એવી મારાં બાની ભાષા હતી. કહેવતો અને રૂઢિપ્રયોગો એમને સહજસિદ્ધ હતાં. હાસ્યનો તો જાણે એ જીવતોજાગતો અવતાર હતાં. મેં ઉમાશંકર જોષીનો હવાલો આપીને “બા” વિશે લખ્યું છે કે - ‘હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુક્તિઓ હોય તો પ્રેમાનંદની જેમ જ બાને પણ એકસો-એક યુક્તિઓની ખબર હતી. એ હાસ્યનું શાસ્ત્ર જાણતાં ન હતાં ને છતાં અનેક પ્રકારની આર્થિક, સામાજિક કે આરોગ્ય વિષયક વિટંબણાઓમાં એ જીવ્યાં ત્યાં સુધી હસતાં જ રહ્યાં. મારી ભાષા ઉપર અને મારા ભાવજગત પર આની ઊંડી અસર પડી છે. એમણે જે રીતે સંતાનોનું ઘડતર કર્યું, એનો આજે વિચાર કરું છું ત્યારે પરમાત્માએ આપેલાં ગુણો અને શક્તિઓ કેવાં હોય એ વિચારે તાજુબ ૧૨૦ . C A આદર્શ કેળવણીનું ઉપનિષદ | થવાય છે. અમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. મારા દાદા અને પરદાદા મરજાદી. અમારા કેટલાંક વડીલો ‘કપડાં શિવડાવ્યાં’ એમ પણ ન બોલે; કારણ કે એમાં શિવનું નામ આવી જાય. આવા વાતાવરણમાં બાનું મંદિર બિલકુલ બહુરંગી વસ્તીવાળા શહેર જેવું. વૈષ્ણવ હોવાના કારણે હાથમાં માખણનો ગોળો ધારણ કરેલાં બાલકૃષ્ણ તો હોય જ, પણ સાથે-સાથે ત્રિશૂળધારી શિવ પણ હોય અને ચામુંડામાતા તેમજ અંબામાતા પણ હોય. મારા બાળપણમાં અમે જૈનોના પડોશમાં રહેતાં હતાં એ વખતે બાલમિત્રો સાથે ઉપાશ્રયમાં જવાની રજા બા પાસે હું માંગુ, તો બા રાજીખુશીથી રજા આપે અને કહે - દરેક વખતે કહે : “ભગવાન તો સૌનાં સરખા’ ‘એકમ્ સત્ વિપ્રા બધા વદંતિ' એવા વેદના સૂત્રની બાને ખબર નહોતી. પણ “ઘાટઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.' આ નરસિહવાણી બાને આત્મસાત્ થઈ ગઈ હતી. ‘ભગવાન તો સૌના સરખા” એવું બાનું સૂત્ર મારા હૃદયમાં વજલેપ થઈ ગયું છે. આજે હું ‘અલ્લાહ એક છે” એ સત્ય અત્યંત સહજ રીતે સ્વીકારી શકું છું, એનાં મૂળ બાના સૂત્રમાં રહેલાં છે. બાએ જીવનઘડતરનાં આવાં અનેક સૂત્રો મારા હૃદયમાં છાપી દીધાં છે. જેમ કે - “ગળ્યું ખાવામાં કાયમ તૈયાર અને દવા પીવામાં અખાડા કરતો હોઉં ત્યારે બા કહેતાં - ‘ગોળ ખાય એ ચોકડાં ખમે” આ સૂત્રનો ઊંડો અર્થ આજે સમજાય છે. ઘોડાને ગોળ ભાવે - પણ એને મોઢે ચોકડું નખાય, ત્યારે એ ધમપછાડા કરે તે ન ચાલી શકે. જીવનમાં ગમતું મળે તો રાજી અને અણગમતું મળે તો દુઃખી-દુ:ખી એવું જીવનમાં ચાલતું નથી. જીવનમાં ગમતું અને અણગમતું એકસાથે ચાલતાં રહે છે. બંનેનો સમભાવે સ્વીકાર કરી શકે છે, એ જ જીવનને માણી શકે છે. બાએ શીખવેલાં બીજાં આવાં સૂત્રો વિશે મેં મારા લેખમાં વિગતથી લખ્યું છે. કોઈ માંગવા આવે ત્યારે બાએ ક્યારેય કટાણું મોટું કર્યું નહોતું. અમારી આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી, તોય આંગણે આવનારને બા ક્યારેય નિરાશ કરતાં નહિ. અમને હંમેશાં કહેતાં - “ભગવાને આપેલા રોટલામાં સૌનો ભાગ.” આ શિખામણે અમને કરુણાના પાઠ શીખવ્યા. અમારે સામાન્ય પ્રકારની ખેતી પણ હતી. ઘેર કામ કરનારા સાથીને પણ બા ઘરના સભ્યની જેમ જ સાચવતાં. અમે જન્મે બ્રાહ્મણ, પણ બા દલિતવર્ગના વડીલો સાથે પણ વિવેકથી વર્તતાં અમને શીખવતાં. આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૧૨૧]

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93