________________
ભણતા બધા જ વિદ્યાર્થીઓ મનુષ્યતામાં ઊણા ઊતરશે એવી ભવિષ્યવાણી મારે ભાખવાની નથી. કુટુંબના સંસ્કારો આજે એનો ભાગ ભજવવાના છે. પરંતુ, જો આમ જ ચાલ્યું તો કાળે કરીને મનુષ્યતાનું ધોવાણ થઈ જવાનું છે.
આજે માતૃભાષાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. ૨૧મી ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે ઊજવાય છે. આ બધા પ્રયાસો આવકાર્ય છે; પણ, ફાટેલા આભને માત્ર થીગડાં નથી મારવાનાં - આભને નવેસરથી સીવવાનું છે. આ અશક્ય લાગે એવું કામ છે, પણ આપણે એ કરવાનું છે - સમયસર કરવાનું છે. ઉમાશંકર જોશીનું ‘બળતાં પાણી’ શીર્ષકવાળું એક કાવ્ય છે. આમ તો એ નવલોહિયા સ્વાતંત્ર્યવીરો અને એમનાં સ્વજનોના સંદર્ભમાં લખાયેલું છે, પરંતુ, માતૃભાષા માટે પણ આજે એ કાવ્ય એટલું જ પ્રસ્તુત છે -
‘નદી પર્વતમાંથી નીકળી છે, પર્વત પરનાં વૃક્ષો દાવાનળથી સળગી રહ્યાં છે; પણ, નદી પોતાના પાણીથી એને ઓલવી શકતી નથી. સમૃદ્રના પેટાળમાં રહેલા અદીઠ વડવાગ્નિને ઓલવવા એ સમુદ્રમાં સમાવાની છે, પરંતુ, પર્વત પર લાગેલા દાવાનળનું શું ?’
કવિ કહે છે કે - ‘સમુદ્રમાં સમાયેલા નદીનાં પાણીનાં વાદળાં થશે, વાદળાં ફરતાં-ફરતાં પર્વત પર આવશે અને અગ્નિને ઓલવશે.' આવું બનશે ખરું, પણ ક્યારે બનશે ?' કવિ કાવ્યને અંતે વેધક પ્રશ્ન પૂછે છે - અરે એ તે ક્યારે - ભસમ સૌ થઈ જાય પછીથી ?’ આપણે પણ ‘ભસમ સૌ થઈ જાય' એ પહેલાં માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધનનું કામ પૂરું કરવાનું છે.
‘સબ કો સન્મતિ દે ભગવાન' એવી પ્રાર્થના સાથે વિરમું છું.
(અમદાવાદસ્થિત રતિલાલભાઈએ ‘ગુજરાતી ભાષામાં સંપાદનની પ્રવૃત્તિ' વિષય પર શોધ પ્રબંધ લખી પીએચ.ડી. કરેલ છે. તેમના હાસ્યરસનાં અગિયાર પુસ્તકો ઉપરાંત વિવેચન અને સંપાદનનાં પુસ્તકો પ્રગટ થયાં છે.)
૧૨૬
આદર્શ કેળવણીનું ઉપનિષદ
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ડૉ. રતનબહેન ખીમજી છાડવા
ચીની ભાષામાં એક કહેવત છે કે - જો એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવો, જો દાયકાનો વિચાર કરવો હોય તો વૃક્ષ વાવો અને જો સદીનો વિચાર કરવો હોય તો શિક્ષણ આપો - કેળવણી આપો.'
ખેતરમાં ઊગેલ કપાસ સીધેસીધું આપણી મર્યાદા જાળવવાનું કામ કરી શકતો નથી, તેમ જ ઠંડીથી પણ એ આપણને રક્ષણ આપી શકતો નથી. પરંતુ જ્યારે વણકર દોરારૂપે ફેરવી કાપડનું રૂપ આપે છે, ત્યારે તે આપણા કામમાં આવે છે. આપણું જીવન પણ પેલા ખેતરમાં ઊગેલાં કપાસ જેવું છે. એમાંથી આપણને કાપડ બનાવવું પડે છે. કાપડ બનાવવાનું કામ કેળવણીરૂપે શિક્ષણ કરે છે. એ જ આપણને અને સમાજને ઉપયોગી બનાવે છે. એટલે જ જીવન માટે ખોરાક જેટલો અનિવાર્ય છે, તેટલું જ મહત્ત્વ કેળવણીનું છે. મનુષ્યની સુષુપ્તશક્તિને જગાડનાર કેળવણી જ છે. કેળવણીનું આખરી અને સાચું લક્ષ્ય તો માનવને સાચો માનવ બનાવવાનું જ છે.
કેળવણીનો ઉદ્ભવ ઃ
કેળવણીના ‘ક’નો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણવું પણ જરૂરી છે. જૈન સંસ્કૃતિ આદિ સંસ્કૃતિ ગણાય છે. તેના આદ્યસ્થાપક વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ હતા. તેમણે લોકોને પ્રથમ કેળવણીરૂપે અસ, મિસ અને કૃષિનું જ્ઞાન આપ્યું. ‘અસિ’ એટલે શસ્ત્રનું જ્ઞાન, ‘મસિ’ એટલે લેખનકળાનું જ્ઞાન તેમ જ ‘કૃષિ’ એટલે ખેતીવાડીનું જ્ઞાન. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન આપ્યું અને સુંદરીને અંકજ્ઞાન આપ્યું. સાથે-સાથે સ્ત્રીઓ માટે ચોસઠ કળાઓ અને પુરુષો માટે બોતેર કળાઓનું જ્ઞાન વિકસાવ્યું. આમ, બ્રાહ્મી - સુંદરી કલા, શિલ્પ અને અંકગણિતની પ્રવર્તિકા બની. અબજો વર્ષ પહેલાં આ જ્ઞાનની ગંગોત્રી પ્રથમ ઋષભદેવથી શરૂ થઈ અને આજે એ વીસમી સદીમાં આવતાં - આવતાં વટવૃક્ષ બની ફૂલીફાલી છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૨૭