________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
અનિવાર્યતા દર્શાવતાં આનંદશંકર કહે છેઃ
“તમે પશ્ચિમના વિચારોને માન્ય કરો અગર ન કરો, પણ અત્યારે એ વિચારો ચારે તરફથી આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપર-બલ્ક આપણા સમસ્ત જીવન ઉપર ધસારો કરતા આવે છે. એ સામે એનું રક્ષણ કરવું હોય તો જૂના વખતનાં છૂટાં છૂટાં વચનો ટાંકીને કૃતકૃત્યતા માનવી નિરર્થક છે. પશ્ચિમના આક્ષેપનો પશ્ચિમની જ રીતિએ, અથવા તો એને નિસ્તેજ બનાવી દે એવી પ્રબળતર પદ્ધતિએ, ઉત્તર વાળ્યા સિવાય છૂટકો નથી.” (ધર્મવિચાર – ૧, પૃ. ૩૪૧)
અંગ્રેજી કેળવણી પામેલા આપણા યુવાનો ઉપર આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાન સંબંધી પ્રતિકૂળ અસર ઉત્પન્ન થવા માંડી છે. આવા સમયે આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક પદ્ધતિએ તપાસ કરી તેની સાફસૂફી કરી તેનું ખરું સ્વરૂપ જગત સમક્ષ લાવવાની અનિવાર્યતા આનંદશંકરના વિચારોમાં જોવા મળે છે.
ભારતીય તત્ત્વજ્ઞાનનો ઐતિહાસિક પદ્ધતિથી વિચાર કરી આનંદશંકરે પોતાના લેખો દ્વારા એ સ્પષ્ટ કરી આપ્યું છે કે આપણું તત્ત્વજ્ઞાન ચૈતન્યથી ભરેલો જીવંત પદાર્થ છે અને અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લેવા સમર્થ છે. એ તત્ત્વજ્ઞાનને વર્તમાન સ્વરૂપમાં વિશ્વ સમક્ષ મૂકવાની દિશા પણ આનંદશંકરે બતાવી છે. “હિંદનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલો ચૈતન્યથી ભરેલો અને નિત્ય વિકસતો જતો એક જીવંત પદાર્થ છે. તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર અધિક ધ્યાન આપવું જોઈએ.” (ધર્મવિચાર - ૧, પૃ. ૫૫૩)
આમ, આનંદશંકરના મતે આપણું તત્ત્વજ્ઞાન જીર્ણ વિદ્યા નથી, પરંતુ પશ્ચિમના વર્તમાન તત્ત્વજ્ઞાનની સાથે ઊભું રહી અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લઈ શકે એવો જીવંત પદાર્થ છે. આનંદશંકરના મતે ભારતીય તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ જીવંત અને સદૈવ વિકાસશીલ ચિંતન છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ તેની સ્વ-ચિંતનશીલતાના પરિપાક રૂપે સમગ્ર અનુભવને આશ્લેષે છે. આનંદશંકર પરિષ્કૃતિની જરૂર ભારતીય તત્ત્વજ્ઞાન માટે આવશ્યક ગણે છે. પરંતુ તે પણ સ્વ-ચિંતનશીલતાને કારણે જ શકય બને છે. જ્યારે આ સ્વચિંતનશીલતામાં ઓટ આવી છે ત્યારે ત્યારે ચિંતનમાં જરઠતા વ્યાપેલી જોવા મળે છે. ભારતીય તત્ત્વજ્ઞાન પરના આક્ષેપો અને ઉત્તરો :
ભારતીય તત્ત્વજ્ઞાનની ધર્મ અને સાહિત્ય સાથેની અભિન્નતાને કારણે તેમજ વૈદિક યુગથી વર્તમાન યુગ સુધીના રાજકીય અને સામાજિક વિકાસ ક્રમમાં કેટલાયે ઉતાર-ચઢાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org