________________
આનંદશંકરનું ધર્મચિંતન
જગતમાં રહીને પણ પરમાત્માનું ચિંતન થઈ શકે છે. શ્રીમદ્ભગવદ્ગીતાને આધારે પ્રવૃત્તિમાં જ ખરી નિવૃત્તિ છે એમ કહેવામાં આવે છે. વેદાંત સિદ્ધાંત પ્રમાણે પણ ‘બ્રાહ્મીસ્થિતિ’ જ્ઞાનાત્મક છે, કર્માત્મક નથી. અર્થાત્ એમાં કંઈ કરીને કે ન કરીને પ્રાપ્ત કરવાનું નથી પણ જે છે તે જ અમુક સ્વરૂપે યથાર્થ સમજવાનું છે. આવા વિચારોમાં મહદંશે ઘણું સત્ય છુપાયેલું છે. પરંતુ આવા વિચારોને આધારે પરમાત્મા પ્રેમની સાચી ભાવનાથી પ્રેરાયેલા ત્યાગને (વૈરાગ્ય) પણ નિંદવામાં આવે છે તે યોગ્ય નથી. આ સંદર્ભમાં આનંદશંકર લખે છે કે, “હાલના સમયમાં ઘણે ભાગે આ વિચારો સંસારની લોલુપતા ( worldiness) માંથી જ ઉત્પન્ન થઈ શ્રીમદ્ભગવદ્ગીતાના દેખીતા આશ્રય નીચે સમર્થન પામે છે. વસ્તુતઃ તો ધર્મભાવનામાં વૈરાગ્ય એક આવશ્યક અંશ છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૦૧)
વૈરાગ્ય જીવની નિર્બળતામાંથી ઉદ્ભવી શકે નહીં ! તે પરમાત્મ તત્ત્વ પ્રત્યેના દિવ્ય પ્રેમમાંથી ઉપસતો નિશ્ચય રૂપ વૈરાગ્ય છે. આમ પરમતત્ત્વનાં શુદ્ધ પ્રેમ વગર સાચો વૈરાગ્ય શક્ય નથી.
૧૭૯
નારદના નારદભક્તિસૂત્રમાં ભક્તિનું પરમપ્રેમરૂપા એવું લક્ષણ આપી પ્રેમ વા ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. તેનો આધાર લઈ આનંદશંકર પરમાત્મામાં અખિલ કર્મનું અર્પણ કરવું અને એના ક્ષણમાત્ર વિસ્મરણમાં પણ અત્યંત વ્યાકુળતા અનુભવવી એનું નામ જ પ્રેમ અથવા ભક્તિ છે એમ સ્વીકારે છે. આવો પ્રેમ-પ૨માત્માપ્રેમ-એને જ આનંદશંકર ‘અમૃતત્વ’નું સાધન માને છે. કારણકે એવા પ્રેમમાં જ આત્માને સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર થવાની શક્યતા તેઓ નિહાળે છે. આત્માના આવા સ્વસ્વરૂપના સાક્ષાત્કારને જ આનંદશંકર ‘અમૃતત્વ’ કહે છે.
અમૃતત્વને આનંદશંકર આત્માનો નિત્ય સ્વભાવ માને છે. સાથે સાથે તેઓ અમૃતત્વને જ્ઞાનલભ્ય માને છે. આપણે જે અમૃતત્વને અનુભવવાનું છે તે આત્માની અમુક ચાલુ સ્થિતિરૂપ નથી-અર્થાત્ દૈશિક કે કાલિક ‘અમૃતત્વ’ એ ખરું ‘અમૃતત્વ’ નથી. એવું અમૃતત્વ આત્માને તૃષ્ટિ ને બદલે માત્ર કંટાળો જ આપે છે. આમ વિષયતાના પ્રદેશથી આત્માનું પર હોવું એ જ ખરું ‘અમૃતત્વ’ છે, અને એ પ્રમાતાનું, અમૃતત્વ છે માટે જ એ વિષયતાના પ્રદેશથી અતીત હોઈ ક્રિયાસાધ્ય નથી પણ જ્ઞાનસાધ્ય છે. (ધર્મવિચાર ૧
પૃ.૨૦૪)
આ અમૃતત્વનો સાક્ષાત અનુભવ તર્કના પ્રદેશથી બહાર છે. પ્રેમલક્ષણા ભક્તિ તે જ ‘જ્ઞાન’ અને અપરોક્ષ જ્ઞાન તે જ ‘ભક્તિ’ એવો સિદ્ધાંત સ્વીકારી આનંદશંકર એ ઉભયની એકતા પ્રસ્થાપિત કરતાં કહે છે : “શ્રદ્ધાએ કરી આત્મા ભય, શંકા આદિ દોષમુક્ત થાય છે, પ્રેમથી એનામાં ચૈતન્યનો વિકાસ થઈ આનંદનું ભાન થાય છે. જ્ઞાન વડે પણ આ જ પદાર્થ પ્રાપ્ત કરવાના છે અને એમાં પણ શ્રદ્ધા અને પ્રેમ જુદી રીતે જરૂરનાં છે, કેમકે એ વિના જ્ઞાન અસ્થિર, શિથિલ, શુષ્ક અને પરોક્ષ રહે છે.” (ધર્મવિચાર ૧ - પૃ.૨૦૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org