________________
૨૩૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૫) કૈવલ્ય : સર્વ ઉપાધિથી અને પ્રકૃતિના સંસર્ગથી મુક્ત થઈ
સ્વ-સ્વરૂપમાં વીરમવું તે. આ મોક્ષરૂપી મહાપુરુષાર્થ પ્રથમ ધર્મમાં અંતભૂત હતો. જેમ જેમ દર્શનશાસ્ત્રનો વિકાસ થતો ગયો એમ ધર્મભાવના વધારે ઉચ્ચ અને સૂક્ષ્મ બનતી ગઈ તેમ તેમ તે ધર્મમાંથી બહાર નીકળ્યો. મોક્ષને આનંદશંકર ધર્મ સાથે આંતર અને જીવંત સંબંધથી જોડાયેલો પુરુષાર્થ માને છે. તેમના મતે મોક્ષ એ ધર્મના અંતરમાં રહી બહાર વિકસતો પુરુષાર્થ છે, ધર્મનો નિષેધક એવો પુરુષાર્થ નથી. મોક્ષની અંતિમ અવસ્થાના ખરા અધિકારી બહુ થોડા હોય છે.
આનંદશંકરના ઉપરોક્ત વિવરણમાં આપણને ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન શું છે તે જાણવા મળે છે. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશેષતા તેમને મન એ છે કે ઉત્તરાવસ્થામાં જ્યારે એ બે પુરુષાર્થ ગૌણતાને યોગ્ય થાય છે ત્યારે ધર્મ આગળ પડી સવિશેષ આદરને પાત્ર થાય છે. આ ઉત્તરાવસ્થાના ધર્મને આનંદશંકર પૂર્વાવસ્થાના ધર્મથી અલગ ગણતા નથી, પણ પૂર્વાવસ્થાના ધર્મને જ ઉત્તરાવસ્થામાં પરિપક્વતાની સ્થિતિએ પહોંચેલો માને છે. પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે “અર્થ” અને “કામ” સાથે જોડાયેલો હોય છે તે વખતે એનું સ્વરૂપ કેવું હોય છે અને તે બીજા બે પુરુષાર્થ સાથે કેવો સંબંધ ધરાવે છે એ વિષેનો વિચાર આનંદશંકર “વ્યવહાર અને પરમાર્થ નામના લેખમાં કરે છે. આ લેખમાં આનંદશંકર વ્યવહાર જગતને ધર્મની શિક્ષણશાળા ગણાવી વ્યવહાર અને પરમાર્થ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરે છે. ધર્મની ઓળખ જેટલી રોજબરોજના વ્યવહારમાં થાય છે તેટલી નદી કિનારે કે પર્વતની ગુફામાં બેસવાથી થતી નથી. ધર્મ એ મનુષ્યના ઉન્નત સ્વભાવની પેદાશ છે. ધર્મ એ શાસ્ત્રોમાં પૂરી રાખવાની કે મંદિરોમાં પૂરી રાખવાની બાબત નથી, પરંતુ રોજિંદા વ્યવહારમાં આચરણની બાબત છે. આપણી આસપાસની દુનિયામાં પરમાર્થની સરખામણીએ વ્યવહારને વધારે પ્રાધાન્ય મળેલું જોવામાં આવે છે તેનું કારણ આનંદશંકર ધર્મનો અન્ય પુરુષાર્થ સાથેનો સંબંધ ન સમજવામાં રહેલું જણાવે છે. અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મ માટે કોઈ અલગ સમય નથી, આથી આનંદશંકર લખે છે : “અર્થ અને કામનો સમય તે જ ધર્મનો : માત્ર ધર્મના અન્તઃપ્રવેશથી અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૨)
આમ, અન્ય પુરુષાર્થ સાથે ધર્મનો અન્ત:પ્રવેશ એ જ ખરો પરમાર્થ છે. અન્ય પુરુષાર્થ સાથેના ધર્મના માત્ર બાહ્ય સહચારને આનંદશંકર નિરર્થક દંભ ગણાવે છે. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અન્તઃપ્રવેશ રોજબરોજના વ્યવહારનાં કામમાં આવવો જોઈએ. અર્થ અને કામથી દૂર રહેવાથી ધર્મ આવડતો નથી. એ જ અર્થમાં આનંદશંકર વ્યવહારને ધર્મની પાઠશાળા ગણાવે છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનને વ્યવહારની કસોટીએ ચઢાવવાથી એ સિદ્ધ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org