________________
સાહિત્યચિંતન
૨૭૫
(૧) જનસમાજની વાસનાઓને વધારે વિવિધ, વિશાળ, ઊંડી અને ઉદાત્ત બનાવવી જોઈએ.
અહીં મુખ્ય મુદ્દો અથવા મુખ્ય મહત્ત્વ જનસમાજની વાસનાઓની ખીલવણીનો છે. આ ખીલવણી પ્રતિભા દ્વારા રસાઈ હોય એવા સાહિત્યના સર્જનને વિકસાવવાથી સાહિત્યનો ઉત્કર્ષ થશે. આપણા સાહિત્યનું બીજું પોષકબળ આપણા દેશનું પ્રાચીન સાહિત્ય અને આપણો પ્રાચીન ઈતિહાસ છે. પ્રેમાનંદના સમય કરતાં આપણા સમયમાં પ્રાચીન સાહિત્યનું જ્ઞાન ઘણું વધ્યું છે છતાં એ જ્ઞાન જોઈએ તેવું ફળદ્રુપ નીવડ્યું નથી, એના કારણરૂપ આનંદશંકર આપણા પ્રાચીન સાહિત્ય પરત્વે આપણી મમત્વ બુદ્ધિની મંદતાને જણાવે છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની વિવિધ જૂની દંતકથાઓ, વાર્તાઓ, ગીતો, કહેવતો તેમજ જુદી જુદી જ્ઞાતિઓની ઉત્પત્તિ, પરાક્રમ વગેરેના ખરા ખોટા પૌરાણિક અને સાંપ્રદાયિક હેવાલો - સર્વને એકઠા કરી પ્રસિદ્ધ કરવા તેને આનંદશંકર આપણા સાહિત્યના ઉત્કર્ષનું ખૂબ જ અગત્યનું સાધન માને છે. આપણા સાહિત્યનું ત્રીજું પોષકબળ આનંદશંકર પશ્ચિમી દેશોના મહાન ગ્રંથોના ભાષાંતરોમાંથી લાવવાનું કહે છે. ગ્રીસ, રોમ, ઇંગ્લેંડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઈટાલી વગેરે ભૂમિના સાહિત્યોની ઉપેક્ષા એ વર્તમાન સમયમાં કોઈપણ જીવંત પ્રજાને લાભકારી નથી. અહીં “સાહિત્ય' શબ્દના અર્થમાં આનંદશંકર ઈતિહાસ, ચરિત્ર, તત્ત્વજ્ઞાન વગેરેનો પણ સમાવેશ કરે છે. સાહિત્યના પ્રદેશમાં જોવા મળતી કૂપમંડૂપતા દૂર થવી જોઈએ એવો આનંદશંકરનો મત છે. જનસમાજની કેળવણી અને ઉચ્ચ વર્ગનો સાહિત્ય વિષયક પ્રેમ એ પણ આનંદશંકરના મતે સાહિત્યને પોષનારાં મહાન સાધનો બને છે. બહોળો વાચક વર્ગ એ ગ્રંથકારને ઉત્તેજનરૂપ છે. એટલું જ નહિ, પણ કેળવાયેલું જનસમાજનું હૃદય સાહિત્ય પ્રત્યે તૃષાથી ઊછળે છે ત્યારે સાહિત્ય પોતે પોતાની મેળે રૂપ ધરી લે છે.
આમ, સાહિત્યરૂપી વનલતાને ફળફૂલથી સમૃદ્ધ બનાવવા માટે જોઈતા પૃથ્વીના રસકસ તે આનંદશંકરને મન જનસમાજની વાસનાઓ છે. એટલે એનું પોષણ તેમના મતે સર્વથા આપણી શક્તિની બહાર નથી. આ વિચારો વ્યક્ત કરતાં રૂપકાત્મકભાષામાં આનંદશંકર કહે છે કે, “જેમ પાંદડાં ઉપર પાણી ચોપડવાથી વૃક્ષ ફાલતું નથી, ફાલવા માટે તો એના મૂળિયાંમાં ખાતર-પાણીનો પ્રવેશ થવો જોઈએ. તેમ સાહિત્ય-વૃક્ષના વિકાસ માટે પણ એના બાહ્ય શરીર ઉપર જેટલા સંસ્કાર કરીશું તેટલા ઘણે ભાગે નકામા છે, એના મૂળિયાંને સ્પર્શ કરે -જનસમાજની વાસનાઓને પોષે એવાં પોષણબળો પ્રવર્તાવવાં જોઈએ.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૧૩૧).
(૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org