________________
૧૮૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
જરૂરી છે. તે અંગે આનંદશંકરે કેટલાક ખુલાસા કરેલ છે. તે અનુસાર... (૧) “પ્રો. મૅક્સમૂલરના મતે આર્ય એટલે અમુક આર્યભાષા બોલનારા, પછી તે ગમે તે
જાતિના હો, પણ એ ભાષા બોલનારા લોકોમાંનો કેટલોક ભાગ તો એક જાતિનો જ હશે એમ એનાં શારીરિક લક્ષણો ઉપરથી ગણાય છે.” “આર્યો બહારથી આવી સિધુ નદીના પ્રદેશમાં વસ્યા છે એવું અત્રેના આર્યોનું સ્મરણ નથી. પણ કેટલાક પ્રમાણ ઉપરથી યુરોપિયન વિદ્વાનોએ આ કલ્પના કરી છે. જો આર્યો મૂળ આ દેશના જ વતની હોય તો ડુંગરોમાં અને જંગલોમાં જે અનાર્ય લોકોની વસ્તી જોઈએ છીએ તે સંભવે નહિ. એકબીજાથી તદ્દન ભિન્ન એવા લોકો એક જ દેશના મૂળ વતની કેમ હોઈ શકે ? દ્રવિડ જાતિના લોકો પણ એ જ પ્રમાણે – આર્યોથી પણ પૂર્વે બહારથી આવેલા છે અને અત્રેની મૂળ જંગલી વસ્તી કરતાં જુદા છે. આર્યો ક્યાંથી આવી વસ્યા છે તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક મધ્ય એશિયાને, કેટલાંક પૂર્વ યુરોપને અને કેટલાક ઉત્તરધ્રુવને આર્યોનું મૂળ રહેઠાણ માને છે.” આ પહેલાં એ લોકોના ધર્મનું શું સ્વરૂપ હતું એનો પૂરેપૂરો નિર્ણય કરવો અત્યારે મુશ્કેલ છે. હિંદુ, ઈરાની, ગ્રીક, રોમન વગેરે આર્ય પ્રજાની ભાષા તથા તેમના ધર્મનાં સામાન્ય તત્ત્વો તારવી એ ઉપરથી મૂળ આર્ય જાતિના ધર્મનું સ્વરૂપ નક્કી કરવાનો વિદ્વાનોએ યત્ન કર્યો છે, પરંતુ એટલામાં જ આર્ય જાતિના મૂળ ધર્મનો સમાવેશ થઈ જાય છે એમ કહેવા માટે કોઈ આધાર નથી.
આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં એસ્તર સોલોમન પોતાના ‘હિંદુદર્શન' ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધે છે:
કાસ્પિયન સરોવર અને એની આસપાસની નદીઓના કાંઠાની પ્રાચીન સુધરેલી પ્રજા જે આર્ય જાતિ કહેવાય છે, એ તો ઘણા જૂના વખતથી ગ્રીસ, રોમ, ઈરાન, હિંદુસ્તાન એમ જુદી જુદી બાજુએ વેરાઈ ગઈ હતી. આ આર્ય પ્રજા સિંધુ નદીને કાંઠે વસી, ત્યાંથી ગંગા-યમુના પ્રદેશમાં આગળ વધી અને પછી દક્ષિણમાં દાખલ થઈ. સિંધુ અને ગંગાયમુનાના પ્રદેશમાં આ આર્ય લોકોએ જે ધર્મ કેળવ્યો તે જ દક્ષિણ હિંદુસ્તાનમાં પ્રસર્યો. આમ, સિંધુ અને ગંગા નદીના પ્રદેશમાં કેળવાયેલો ધર્મ ઘણો જૂનો છે એટલું જ નહિ, પણ આ ધર્મની અસર જૂના કાળમાં હિંદુસ્તાનની બહાર પશ્ચિમમાં મિસર સુધી, દક્ષિણ પૂર્વમાં લંકા, બ્રહ્મદેશ અને જાવા-સુમાત્રાના ટાપુઓ સુધી તથા ઉત્તર-પૂર્વમાં તિબેટ, ચીન અને જાપાન સુધી પ્રસરી હતી. આ ધર્મને આપણે એના મૂળ ઉત્પત્તિસ્થાન સિંધુ ઉપરથી ‘હિંદુ ધર્મ' કહીએ છીએ.” (હિંદુ દર્શન, પૃ.૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org