________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧પ૯
ઉપરોક્ત સર્વ માર્ગોની સમીક્ષા કરી આ વિષયમાં આનંદશંકર પોતાનો સ્વતંત્ર મત પ્રગટ કરતાં કહે છે :
“વિશ્વ નિયન્તા કાલ ભગવાન અનેક ધર્મના તંતુઓમાંથી એક ધર્મરૂપ મહાપટ વણી રહ્યા છે, પણ એ પટ બનાવવાથી તંતુઓનો લોપ થતો નથી, તે જ પ્રમાણે સર્વધર્મની એક વાક્યતા થવાથી તે તે ધર્મનું વિશેષ સ્વરૂપ લુપ્ત થતું નથી, ઊલટું એ વિશેષ સ્વરૂપે રહે, રૂપાંતર પ્રાપ્ત કરીને પણ રહે, એ તરેહની એકવાક્યતા પરમાત્માને ઈષ્ટ છે.” (ધર્મવિચાર -૧, પૃ.૬૨૫).
ઉપર જણાવેલી એકવાક્યતા અંગે બે પ્રકારના પ્રશ્નો સ્વયં ઉપસ્થિત થાય છે : (૧) ઉપર કહેલી એકવાક્યતા અમુક ધર્મને પ્રધાન ગણીને અને બીજાને ગૌણ બનાવીને
કરવી ઉચિત છે ? (૨) સર્વધર્મને સમાન માની એમાંથી વિકલ્પ કરી ગમે તે એક ને સ્વીકારવો એ ઉચિત છે?
ઉપરોક્ત બંને પ્રશ્નમાંથી બીજા પ્રશ્નનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે કે, આનાથી માત્ર સર્વધર્મની પરસ્પર સહિષ્ણુતા જ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પૂરતું નથી, કારણકે એથી સત્યના માર્ગમાં એક પગલું પણ આગળ ભરાતું નથી. હવે બીજા પ્રશ્નનો એટલે કે જેમાં અમુક ધર્મને પ્રધાન બનાવી બીજાને ગૌણ બનાવવાની સૂચના છે – આ પ્રશ્નનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે કે, આ પદ્ધતિ પરસ્પર લડવાની અન્ય પદ્ધતિઓ કરતાં બેશક સારી છે. તથાપિ એમાં સ્વધર્મની પ્રધાનતા અને તેથી ઉત્કૃષ્ટતા અને પરધર્મની ગૌણતા અને તેથી નિકૃષ્ટતા મનાય છે. આમાં પરધર્મ પ્રત્યેની કોઈપણ અસહિષ્ણુતા ને આનંદશંકર જોતા નથી.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સર્વધર્મ પ્રતિ સમાન આદર થઈ શકે ખરો? અગર થઈ શકે તો તે ઈષ્ટ છે ખરો? આ પ્રશ્નનો ઉત્તર આનંદશંકર આદર અને ભક્તિ અર્થાત નિષ્ઠા એ બન્ને વચ્ચેનો ભેદ સમજાવીને આપે છે. સર્વધર્મ પ્રતિ સમાન આદરને આનંદશંકર સ્વીકારે છે પણ નિષ્ઠા તો સ્વધર્મ પ્રતિ જ હોવી જોઈએ એમ માને છે. અહિં “સ્વધર્મ” શબ્દનો અર્થ પણ આનંદશંકર વિલક્ષણ રીતે તારવી બતાવે છે. “સ્વધર્મનો અર્થ સંપ્રદાય પ્રાપ્ત બાપદાદાનો ધર્મ નહિ પણ પોતાના આત્મામાં ધારણ કરેલો - માત્ર આચારની રૂઢિમાં નહિ પણ આત્માના સત્ત્વમાં મેળવી દીધેલો – જે ધર્મ તે જ ખરો સ્વધર્મ છે.” (ધર્મવિચાર -૧, પૃ.૬૨૬)
જગતના વિવિધ ધર્મોમાં પ્રધાન કે ગૌણ એવા કોઈ ભાવ નથી. વાસ્તવમાં તો સર્વ ઈન્દ્રિયગોચર લૌકિક ધર્મ એક ઈન્દ્રિયાતિત અલૌકિક ધર્મના અવિર્ભાવ છે એમ આનંદશંકર માને છે. પોતાના આ મતને ઉદાહરણ દ્વારા આનંદશંકર સ્પષ્ટ કરી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org