________________
તથા કૃપા અને ઉપેક્ષા રૂપ એવી કરુણા અને માધ્યસ્થભાવના અનુક્રમે ક્લિશ્યમાન અને અવિનીત જીવો ઉપર સમજવી. એટલે કે ક્લિશ્યમાન જીવો ઉપર કરુણા, અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થ ભાવના ભાવવી, તેનું સ્વરૂપ આ પ્રમાણે
આ સંસારમાં કેટલાક જીવો પૂર્વે બાંધેલાં પાપકર્મોના ઉદયથી વર્તમાન કાળમાં દુઃખી અને દરિદ્રી હોય છે. અને કેટલાક જીવો વર્તમાનકાળમાં પાપકર્મો કરવામાં જ રચ્યા-પચ્યા હોય છે. આ બંને પ્રકારના જીવો વિષે આપણા જીવને અનાદિ કાળના મોહના સંસ્કારના જોરે અનુક્રમે તિરસ્કાર અને નિન્દાનાં પરિણામ થાય છે. તેનાથી સામેના જીવનું હિત તો થતું નથી પરંતુ આપણા જીવનું અહિત ચોક્કસ થાય જ છે. તે માટે જ ગ્રંથકારશ્રી આપણને તિરસ્કારને બદલે કરુણા અને નિન્દાને બદલે માધ્યસ્થતા રાખવાનું સૂચન કરે છે.
દુઃખી જોઈને દિલ જો દયાળુ ન બને, અને પાપીને જોઈને જો મન મધ્યસ્થ ન બને તો તિરસ્કાર - કઠોરતા - અપમાન, અને નિન્દા આદિ દુર્ગુણો આવે જ, જે આત્માને ક્લિષ્ટ કર્મો બંધાવે છે. ધર્મસંસ્કારવાળા જીવમાં કરુણા હોવી જ જોઈએ. ભલે દુ:ખીનાં બધાં દુઃખો આપણે કદાચ દૂર ન પણ કરી શકીએ. પરંતુ જો ચિત્ત કરુણાળુ હોય તો શક્ય તેટલાં દુઃખો દૂર કરવા આ જીવ દોડી જાય અને તે પણ કરુણાભાવે. આ આત્મા તેના ઉપર ન તો પોતાનું એસાન માને કે ન પ્રત્યુપકારની અપેક્ષા રાખે. જીવોની અહિંસા કરતાં પણ હૃદયમાં ઓતપ્રોત થયેલો અહિંસાભાવ કંઈક ગણો ઊંચો ગુણ છે. આ અહિંસાભાવ દુઃખીઓનાં દુઃખ દૂર કરવા તો દોડાવે જ છે. પરંતુ જ્યારે દુઃખીઓનું દુઃખ આપણાથી દૂર કરવું શક્ય ન હોય ત્યારે “આ સંસાર અસાર છે. નિર્ગુણ છે. આવાં દુઃખોથી જ ભરેલો છે. કોઈ કોઈનું શરણ નથી. આ જીવ એકલો જ દુઃખનો ભોક્તા છે. ઈત્યાદિ વૈરાગ્યમય પરિણામોથી સંસાર જ છોડી સાધુ થવાની પ્રેરણાદાયક બને છે.
તેવી જ રીતે પાપીઓનાં પાપ જોતાં અને સાંભળતાં અનાદિના કષાયોના જોરે તેમના પ્રત્યે ધિક્કારની લાગણી થાય, ન કહેવાનું કહેવાઈ જવાની અધિરાઈ આવી જાય, ઠપકો આપવાની ઉત્સુક્તા પણ આવી જાય પરિણામે પાપી જીવ પાપ તો છોડે જ નહીં પરંતુ આપણો જીવ તે જીવ પ્રત્યે આવા કષાયો કરી તીવ્રકર્મ બાંધે. તેમાંથી બચવા આવા પ્રસંગે મનમાં “માધ્યસ્થ” ભાવના ભાવવી. આ જીવો પણ કર્મોને વશ છે. કર્મો જ્યારે હળવા થશે ત્યારે બિચારા આવા પાપોથી મુકાશે,
I યોગશતક - ૨૩ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org