________________
પ્રાસંગિક નિવેદન
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ, શ્રીવિજયોદયસૂરિ, શ્રીવિજયનન્દનસૂરિ, આ ત્રણ નામો વીસમી સદીના તપગચ્છ જૈન સંધ માટે તેમજ સમગ્રપણે જૈન શાસન માટે ભારે મંગલકારી અને શાતાકારી નામો રહ્યાં છે. જૈન શાસનના આચાર્ય કેવા મધ્યસ્થ હોય, ઉદાર હોય, સરલ હોય, સહિષ્ણુ હોય, ગંભીર હોય અને વીર્યવાન હોય, તેનો અંદાજ આ ત્રણ ભગવંતોના જીવન-પરિચય થકી સાંપડી રહે તેમ છે.
એ ત્રણ પૈકી એક, ત્રીજા ક્રમાંકના, આચાર્ય ભગવંતનું જીવનચરિત્ર આ પુસ્તકરૂપે પુનઃ પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે, કેટલીક પ્રાસંગિક છતાં મહત્વની વાતો નોંધવી જરૂરી લાગે છે.
આપણા કાળના ઉત્તમ શ્રાવકજન પંડિત શ્રીપ્રભુદાસ બેચરદાસ પારેખે પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીને વારંવાર કહેલું : “શાસનસમ્રાટ મહાપુરુષનો પૂર્ણ વારસો ૫.પૂ. આચાર્ય શ્રી નન્દનસૂરીશ્વરજી મહારાજે સાચવ્યો છે.”
પં. મફતલાલ ગાંધીએ લખ્યું છે ઃ “પ.પૂ.આચાર્ય શ્રીનન્દનસૂરિ મહારાજમાં વ્યવહારદક્ષતા, નિરહંકાર વૃત્તિ, ઊર્ધ્વગામી દષ્ટિ, શાસનરાગ, દૂરંદેશીપણું અને એકતાના વિશિષ્ટ ગુણો છે. શાસનસમ્રાટના પટ્ટધર આઠેઆઠ આચાર્યો હોવા છતાં આખા સમુદાયનું એકસૂત્રીપણું જાળવી રાખવું તે તેમની વ્યવહારદક્ષતાને આભારી છે.. . શાસનના આજે ડોળાતા કોઈ પણ પ્રશ્નમાં તટસ્થ નિરાકરણના સ્થાનરૂપ શાસનના મોવડી તરીકે તેઓ રહ્યા છે.”
શ્રીરતિલાલ દીપચંદ દેસાઈએ નોંધ્યું છે : “જવાબદારીભર્યા સંઘનાયક પદને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ઘદષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઈચ્છાશક્તિ, વ્યવહારકુશલતા, દૃઢ મનોબળ વગેરે અનેક ગુણો અને શક્તિઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલું છે. અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટોકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસંઘની રક્ષાના યશના ભાગી બની શકે છે.’’
પંડિતવર્ય શ્રીછબીલદાસ કેશરીચંદ સંઘવીએ કહ્યું : “નેમિસૂરિ મહારાજ ગયા ત્યારે સંઘને મોટી ખોટ પડી, ઉદયસૂરિજી મહારાજ ગયા તો પણ સંઘને અપૂરણીય ખોટ પડી : પણ એ બધાયની ખોટનો અનુભવ નન્દનસૂરિ મહારાજના નેતૃત્વ અને માર્ગદર્શન મળતાં રહેવાને કા૨ણે સંઘને ઝાઝો થયો નહિ. પરંતુ જ્યારે નન્દનસૂરિ મહારાજે વિદાય લીધી ત્યારે તો આ ત્રણે ગુરુભગવંતોની ખોટ એકી સાથે સંઘને પડી ગઈ હોવાનો અનુભવ થયો. આચાર્યો તો ઘણા છે, થાય છે ને થશે, પણ નન્દનસૂરિ મહારાજની હોડ કરે તેવા મહાપુરુષ હવે ભાગ્યે જ જોવા મળશે.”
આપણા સમયના આ બધા ઉત્તમ ગુણીજનોએ જેમના વિષે આવા અભિપ્રાય દર્શાવ્યા છે તેવા એક આચાર્ય મહારાજનું જીવનચરિત્ર અહીં પ્રસ્તુત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org