Book Title: Torchno Prakash Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ ‘પણ તમે આ શં કરો છો ?' પત્નીએ પતિને પૂછ્યું, ‘કેમ, દર્પણ સામે ઊભો છું.' ‘શેના માટે ?’ ‘દર્પણ સામે કોઈ શેના માટે ઊભું રહેતું હશે, એટલી ય તને અક્કલ નથી ?’ અક્કલ છે એટલે તો પૂછું છું કારણ કે દર્પણ સામે ઊભા તો છો પણ આંખ તો તમે તમારી બંધ જ રાખી છે !’ ‘સમજીને બંધ રાખી છે’ ‘એટલે ?’ ‘આંખ બંધ હોય ત્યારે હું કેવો લાગું છું, એ મારે જાણવું છે એટલે હું આંખ બંધ રાખીને દર્પણ સામે ઊભો છું' પતિ મહાશયે હસતા હસતા જવાબ આપ્યો ! આત્મનિરીક્ષણ એ જ તો અધ્યાત્મ જગતનું દર્પણ છે. અધ્યાત્મના માર્ગ પર અત્યારે તમે ક્યાં ઊભા છો એની એકદમ સ્પષ્ટ જાણકારી એ તમને આપીને જ રહે છે પણ દુઃખદ વાસ્તવિકતા એ સર્જાઈ છે કે માણસ સંખ્યાબંધ સાધનાઓ કરવા તૈયાર છે; પરંતુ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી. તપની સાધના તો બરાબર છે અને અનિવાર્ય પણ છે; પરંતુ એ માર્ગે આહારસંજ્ઞાનું જોર કેટલું ઘટ્યું એ જોવું તો પડશે જ ને ? પ્રભુદર્શન-વંદન-પૂજન પછી મનની પ્રસન્નતા કેટલી વધી એની તપાસ કરવી તો પડશે જ ને ? સામાયિકની સાધનાએ હૃદયમાં સમત્વભાવની પ્રતિષ્ઠા કેટલી કરી એ જોવું તો પડશે જ ને ? યાદ રાખજો, કુરૂપ માણસ દર્પણનો જેમ દુશ્મન હોય છે તેમ બોગસ સાધક આત્મનિરીક્ષણનો દુશ્મન હોય છે. આપણો નંબર એમાં ન લાગી જાય એની પૂરી તકેદારી રાખીએ. ૧૭ “અલ્યા ભાઈ ! આ તે શી માંડી છે ?' ‘કેમ, શું થયું ?’ ‘તારી ટૅક્સીમાં બેસતા પહેલાં અમે તારી પાસે ૬૦કિલોમીટરથી વધુ ઝડપે ટક્સી નહીં ચલાવવાનું વચન લીધું છે અને તું તો અત્યારે ૧૦૦ કિલોમીટરની ઝડપે ટૅક્સી ભગાવી રહ્યો છે !' ‘એ વિના છૂટકો જ નથી' ‘કેમ?’ ટૅક્સીની બ્રેક ફેઈલ થઈ ગઈ છે. એટલે અંધારું થાય એ પહેલાં હું તમને તમારા લક્ષ્યસ્થાને પહોંચાડી દેવા માગું છું' ટૅક્સી ડ્રાઇવરે જવાબ આપ્યો. પાપોનું સેવન કોક ભવોમાં થઈ ગયું હતું માટે તો આ ભવમાં દુઃખો આવ્યા. હવે એ દુઃખોને દૂર કરવા જો પાપોનો રસ્તો જ પસંદ કરવાનો હોય તો પછી એનો અર્થ તો એ જ થયો ને કે આવતા જનમમાં દુઃખોને આવવાનું આપણે સામે ચડીને આમંત્રણ આપી દીધું. સંસારમાં આત્માની અનંતકાળથી ચાલી રહેલ રખડપટ્ટીનું આ જ તો મૂળ છે. પાપસેવનથી આવેલા દુઃખને દૂર કરવા તો આત્માએ પાપનો રસ્તો લીધો જ; પરંતુ ધર્મસેવનથી મળેલ સુખના સમયમાં પણ આત્માએ કર્યાં તો પાપો જ ! ટૂંકમાં, સામગ્રી આત્માને સુખની મળી કે સંયોગો આત્મા પર દુઃખના આવ્યા, આત્માની પસંદગી તો પાપના રસ્તા પર જ રહી. બ્રેક ‘ફેઈલ’ થઈ ગઈ હોય ત્યારે ગાડી ઊભી જ રાખી દેવી પડે. જીવનમાં દુઃખો આવ્યા હોય ત્યારે પાપો સ્થગિત જ કરી દેવા પડે એટલું આ જીવને કેમ સમજાતું નહીં હોય એ જ સમજાતું નથી ! ૧૮Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51