________________ પ્રકાશપદાન એ જ લક્ષ્ય અનુભવ કરવો છે મીઠાશનો, પણ એ માટે હાજર કરવી પડે છે સાકરને. બાબાને બતાડવો છે ચન્દ્ર, પણ એ માટે ઉપયોગ આંગળીનો કરવો પડે છે. રસ્તા પર કરવો છે ઉજાશ, પણ એ માટે હાથમાં બૅટરી રાખવી પડે છે. બસ, એ જ ન્યાયે જાણવી છે સંસારની અસારતા અને ધર્મની તારકતા, પણ ક્યારેક એ માટે દૃષ્ટાન્તોનો લેવો પડે છે સહારો. અહીં એવો એક પ્રયોગ કર્યો તો છે, પણ એ પ્રયોગની સફળતાનો આધાર છે વાચકોનાં દૃષ્ટિબિંદુ પર. દૃષ્ટિબિંદુને સમ્યક બનાવવાની સંખ્યાબંધ યુક્તિઓ બતાવતું પુસ્તક એટલે જ ટૉર્ચનો પ્રકાશ” ધર્મ તો એ સાગર છે કે જેનાં તળિયે સદગુણોનાં મોતીઓ પડ્યા છે, જ્યારે સંસાર તો એ નદી છે કે જેનાં તળિયે વાસનાનો કીચડ ખડકાયેલો છે. પરિવારથી ઉપેક્ષિત થઈ રહેલ વૃદ્ધ પુરુષના મુખ પર કવચિત્ દેખાતા હાસ્ય પાછળ બની શકે કે જાલિમ દર્દી છુપાયેલ હોય, જ્યારે પ્રભુનાં દર્શને રડી રહેલ ભક્તનાં આંસુ પાછળ શક્ય છે કે ગજબનાક હર્ષ છુપાયેલ હોય. ટૂંકમાં, બહાર જુદું, અંદર જુદું એ વાસ્તવિકતા માત્ર સંસારજગતમાં જ નથી, અધ્યાત્મજગતમાં પણ એ જ વાસ્તવિકતા હોઈ શકે છે; પરંતુ બંને વચ્ચે ફરક એટલો જ છે કે સંસારજગતમાં એ વાસ્તવિકતા તમને કદાચ ‘મુત્સદી’ ‘ચાલાક’ કે ‘હોશિયાર બનાવી શકે છે, જ્યારે અધ્યાત્મજગતમાં એ વાસ્તવિકતા તમને સર્જન, સંત યાવતું પરમાત્મા પણ બનાવી શકે છે. આ પુસ્તકમાં સંગ્રહિત કરેલા 100 ટુચકાઓ આમ જોવા જાઓ તો ‘હસાવનારા' છે; પરંતુ એ ટુચકાઓની નીચે જે ઉપનય મૂક્યો છે એ ઉપનય ગંભીરતાથી જો વાંચવામાં આવશે તો અચૂક સમ્યક સમજનો કો'ક નવો જ પ્રકાશ અંતરમાં પ્રગટશે અને સાચું કહું તો મારું લક્ષ્ય વાચકો સમ્યફ સમજનો પ્રકાશ પામે એ જ છે. પણ ટુચકાઓની ટૉર્ચ વિના એ પ્રકાશ સહજતાથી વાચકો સમક્ષ નહીં પહોંચી શકે એવું મને લાગવાથી અહીં ટુચકાઓની ટોંચનો મેં ઉપયોગ કર્યો છે. એટલું જ કહીશ વાચકોને કે તેઓ પ્રકાશને પામીને સ્વ-જીવનને ઉજાળી લે. ટૉર્ચને ન બહુ વજન આપે કે ન એની જ ગુણવત્તાની ચર્ચામાં પડે ! પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો એનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્... દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ