________________
૧૫.
શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ
શ્રીમો ઉત્તર શેઠના જન્માક્ષર સાથે મળતો આવ્યો કચ્છ માંડવીના રહીશ શેઠ પુરુષોત્તમ ઉમરશી અને કલીકોટ બંદરના મોટા વેપારી એક વખત કચ્છ જતા વવાણિયા આવેલ અને શ્રીમનું નામ અને ખ્યાતિ સાંભળી એક પ્રશ્ન નીચે મુજબ પૂક્યો હતો
મારો કઈ સાલ, કયો મહિનો, કયા દિવસ અને કેટલા કલાકે, કેટલી પળે જન્મ થયેલ? તે જણાવો.” જેનો ઉત્તર શ્રીમદે આકાશમંડળ તરફ ધ્યાન આપી કાગળ પર લખી આપ્યો કે જે તે શેઠના જન્મ વખતે લીધેલા જન્માક્ષરની સાથે બરાબર મળતો આવ્યો હતો.
આરજાજીને શ્રીમદ્ પાસે સૂયગડાંગ સૂત્ર સાંભળવાની ઇચ્છા એક વખત ત્રણ આરજાજી મોંઘીબાઈ, જડાવબાઈ વિગેરે વવાણિયા આવ્યા હતા અને ઉપાશ્રયમાં ઊતર્યા હતા. આરજાજી પાસે હું એક વખત ગયો હતો ત્યારે તેમણે મને કીધું કે અમોએ એવી વાત સાંભળી છે કે “રાયચંદભાઈ” મહાજ્ઞાની પુરુષ છે. તેઓની પાસે અમારે સાંભળવાની ઇચ્છા છે. માટે
જ્યાં સુધી અત્રે છીએ ત્યાં સુધી હમેશાં અત્રે આવે તો ઘણું સારું. તે વાત મેં સાહેબજીને વિદિત કરી. સાહેબજીએ જણાવ્યું કે સૂત્ર સાંભળવું છે? ત્યારે હું આરજાજીને પૂછવા ગયો. આરજાજીએ જણાવ્યું કે સૂયગડાંગ સૂત્ર સાંભળવા ઇચ્છા છે. તે વાત મેં સાહેબજીને વિદિત કરી. ત્યારે સાહેબજીએ કબાટમાંથી તે પુસ્તક કાઢીને મને આપ્યું અને જણાવ્યું કે લ્યો, આપી આવો.ત્યારે મેં સાહેબજીને કીધું કે આપ પધારો તો ઠીક. આપની પાસે સાંભળવા ઇચ્છા છે. સાહેબજીએ જણાવ્યું કે આવતીકાલે બપોરે બે વાગે જઈશું, તમો પણ આવજો.
હું બીજે દિવસે બપોરે એક વાગે સાહેબજી પાસે ગયો. સાહેબજીએ જણાવ્યું કે કેમ, ગઈ કાલે જણાવ્યું હતું તે લક્ષમાં છે કે બે વાગે જવાનું છે. મેં કીધું હાજી. સાહેબજી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે બે વાગ્યા. તેઓશ્રી આગળ ચાલતા હતા અને હું તેમની પાછળ ચાલતો હતો. ઉપાશ્રય નજીકમાં હતો. સાહેબજી ઉપાશ્રયમાં પધાર્યા. હું પણ સાથે જ હતો. આરજાજી પાટ પર બેઠા હતા. અને સાહેબજી નીચે બિરાજ્યા. સાહેબજીએ સૂયગડાંગ સૂત્રમાંથી બે ગાથાઓ વાંચીને તે ગાથાઓનું સવિસ્તર વર્ણન એવું તો સ્પષ્ટ રીતે કર્યું કે જે સાંભળી આરજાજી તો ચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા. અને સાહેબજી પ્રત્યે બોલવા લાગ્યા કે અહો! અમોએ તો આ પ્રમાણે કોઈ સ્થાને સાંભળ્યું નથી. તેમજ કોઈપણ સાધુ મહારાજ કે સાધ્વીજીએ સમજાવ્યું નથી. આપે અમારા ઉપર મહંત ઉપકાર કર્યો છે. એમ કહી બધા આરજાજીઓ પાટ પરથી ઊભા થઈ ગયા. ત્યારે સાહેબજી બોલ્યા કે આમ કાં કરો છો? ત્યારે આરજાજી બોલ્યા કે અમો પાટ ઉપર બેસવા લાયક નથી, અમારી ઘણી જ ભૂલ થઈ છે, તેથી આપની આશાતના થઈ છે.
એક માસ આપેલ લાભ ત્યારપછી આરજાઓએ મને કીધું કે હાલમાં લગભગ એક માસ સુધી અમારી સ્થિરતા થવાની છે. ત્યાં સુધી હમેશાં એકાદ કલાક પઘારે તો ઘણો જ લાભ મળી શકશે. આ હકીકતને મેં સાહેબજીને વિદિત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ભલે, તેમ કરીશું. તમો હમેશાં હાજર રહેજો.
આ પ્રમાણે સાહેબજી હમેશાં ઉપાશ્રયે પધારતા અને સાથે હું પણ જતો હતો. સાહેબજી જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા કે તુરત જ આરજાઓ પાટ પરથી ઊભા થઈ જતા અને નીચે બેસતા હતા.