________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૪૮
તથા “જીવદયાણ” માની તેમના પ્રત્યે મન, વાણી, શરીર અને આત્માથી વર્તન કરવા
લાગ્યો છું. | મોક્ષ મેળવવા ગુણસ્થાનક આરોહણક્રમ એક વખતે અમો મોરબી શહેરની બહાર શ્રીમદ્ સાથે નદીના કાંઠા તરફ ગયેલા. આગળ જતાં એક મોટો ટેકરો આવ્યો. જે ટેકરા પર ફરીને ચઢાતું હતું. ત્યાંથી ચઢવાને બદલે સીધું ટેકરા પર ચઢવું વિકટ હતું. પણ તે રસ્તેથી તેઓશ્રી ટેકરા ઉપર ચઢી ગયા, અને અમો બઘા પાછળ આવતા હતા. ત્યારે તેમણે કહ્યું કે તમે આ ટેકરા પર ફરીને આવો. તેથી અમો તેમની આજ્ઞાનુસાર ફરીને ટેકરા ઉપર ચઢયા. ત્યારે તેઓ બોલ્યા કે તમે જેમ ફરીને આવ્યા તેવી રીતે ગુણસ્થાનક ચઢવાનો ક્રમ છે.
તે ઉપરથી અમને એમ સમજાયું કે મોક્ષમાર્ગમાં યોગ્યતા પ્રમાણે ક્રમાનુસાર ચાલવું તેમજ જ્ઞાની પુરુષ કહે તેમ કરવું, પણ કરે તેમ ન કરવું.
ક્રિયાકોશ'નો અનુવાદ કરવાની આજ્ઞા એક વખત શ્રીમદ્ જમવા બેઠા. તેમના પાટલા ઉપર બની શકે તેટલી સામગ્રી પીરસવામાં આવી. તેમણે પાપડ, અથાણું આદિ અમુક ચીજ વપરાશમાં ન લીધી. તેથી મને વિકલ્પ થયો કે અમુક અમુક પદાર્થ વપરાશમાં ન લીઘા તેનું શું કારણ હશે? પણ તેનું સમાધાન થવા માટે હું પૂછી શક્યો નહીં. તે જ દિવસે રાત્રે પ્રસંગોપાત્ત વાતચીત ચાલી ત્યારે તેઓશ્રીએ “ક્રિયાકોશ” જે ઘણે ભાગે મારવાડી ભાષાના પદ્યમાં છે તેને ગુજરાતી ગદ્યમાં લખવા મને આજ્ઞા કરી, ત્યારે મેં કહ્યું કે તે ભાષા એવી છે કે તેના ગુજરાતી શબ્દો મળવા મુશ્કેલ છે. તેથી બરાબર લખી શકાય તેમ નથી. ત્યારે તેમણે ફરી આજ્ઞા કરી કે જેવો આવડે તેવો અને જેવો સમજાય તેવો ગુજરાતીમાં તરજામો કરવો. તેઓશ્રીએ ક્રિયાકોશ મને આપ્યો અને તે પ્રમાણે કરવાનું શરૂ કર્યું અને અમુક ભાગોનો તેમની આજ્ઞાથી તરજામો પણ કર્યો.
ક્રિયાકોશનો તરજામો કરવાથી એક તો મને એ ફાયદો થયો કે ત્રસ જીવની ઉત્પત્તિના સ્થાન ક્યાં ક્યાં હોય. અને તે સ્થાનમાં વિકલૈંદ્રિયની ઉત્પત્તિ થઈ છે એમ ક્યારે ગણી શકાય તે થોડે થોડે અંશે સમજાણું. તથા પછીથી તેવા જીવવાળા પદાર્થ વપરાશમાં ન આવે અથવા અનિવાર્ય કારણથી પણ જેમ બને તેમ તેનો વપરાશ ઓછો કરવામાં આવે તો આત્માને શ્રેયનું કારણ છે એમ મનમાં રહ્યા કરતું હતું. એ પ્રમાણે તેઓશ્રીએ મારા મનનું સમાધાન કરી આત્માને હિતકારી એવો બોઘ પણ આપ્યો.
કેવળજ્ઞાન સંબંધી નિબંધ લખવાની આજ્ઞા શ્રીમદ મોરબી મુકામે પથાર્યા ત્યારે એક વખત મને એવી આજ્ઞા કરી કે કેવળજ્ઞાન સંબંધી નિબંધ લખી લાવો. ત્યારે મેં કીધું કે તે વિષે મને કેમ આવડશે? ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે, “અમો જે કાંઈ કહીએ તેમાં શંકા નહીં લાવતા કરવું યોગ્ય છે. તમોને આવડશે.” તેથી તે વિષય સંબંધી નિબંઘ થોડા વખતમાં લખી મેં રજૂ કર્યો હતો તેમાં –
“ભરતક્ષેત્રમાં આ કાળને વિષે મનુષ્યમાં કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે તેનાં કારણો અને પ્રગટ ન થઈ શકે તેના કારણો દર્શાવ્યા હતા. તેમાં એક કારણ એવું હતું કે વજ>ઋષભનારાચસંઘયણ ન હોય ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે નહીં. અને આ પંચમકાળને વિષે તેવા સંઘયણનો અભાવ જણાય છે વગેરે જણાવ્યું હતું.