________________
૫૫
શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ
અને તે અપ્રગટ રાખી પોતાની રહેણીકહેણી સુધારવી એવા ભાવથી વર્તવાનું સૂચવતા. આટલું ખરું કે કોઈને પણ આગ્રહથી બાઘા આપવાનું તેઓ પસંદ કરતા નહીં; પણ જેની ઇચ્છા થાય તેણે પાપાચરણથી નિવર્તવું એમ જણાવતા.
સાદું જીવન ઉચ્ચવિચાર
શરીર સુંદર દેખાવા માટે નાહવા, ઘોવા કે સારા વસ્ત્રાલંકારો પહેરવા કે જુવાનીનો દેખાવ વગેરે તેમનામાં અંશે પણ નહોતો. સદા વૈરાગ્યભાવે રહેતા.
અંતરની વાસના મૂક્યા વિના મોક્ષ નથી
બનતા સુધી અંતરની વાસનાઓને રોકવા બહુ બહુ ભલામણ કરતા. ગમે તેવું તપ થયું હોય તો પણ અંતરની વાસનાને દબાવ્યા સિવાય કે ત્યાગ કર્યા સિવાય તરવાનો રસ્તો મળી શકો નહીં એમ કહેતા. પરના દોષો જોઈ નિંદા કરવી નહીં
કોઈ મત પંથને નિંદતા નહીં. પણ દરેક મત પંથના અમુક પુસ્તકોમાં અમુક ભાગ ભોગ્ય છે. દરેક મત પંથવાળાએ તેમની બુદ્ધિ અનુસાર નજર પહોંચી એવી રીતે પંથ ચલાવેલ છે. અમુક મહાત્માઓ તથા વિદ્વાનોની પ્રશંસા પણ કરતા.
કોઈની પણ નિંદા' કરવા કે દ્વેષને કરવા કે દોષો દેખવા માટે સખત મનાઈ કરતા અને આપણા દોષો જોઈ તેમાંથી ક્રમે ક્રમે મુક્ત થવા માટે પૂરેપૂરી ભલામણ કરતા હતા.
શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા
મોરબી
શ્રી સહજાત્મસ્વરૂપ, પરમ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રના છૂટક સંસ્મરણો –
આ મહાત્માનો ગુરુ તરીકેનો સંબંઘ મને પ્રથમ વિ.સં.૧૯૫૫ના ચૈત્ર માસમાં થયો. આ સંબંધના સંસ્મરન્નોનો ઉલ્લેખ કરવા પૂર્વે તે પ્રથમનો જે સંબંધ હતો તે પણ જણાવવો યોગ્ય છે.
શ્રીમદ્ લઘુવયથી બુદ્ધિશાળી
શ્રીમદ્ વવાણિયાના વતની હતા. શ્રીમદ્ની બાળવયમાં એટલે કે નાનપણથી તે અઢાર ઓગણીસ વર્ષની વય સુધીમાં વવાણિયામાં મારા એક વડીલ (પિતાના કાકા) રા.હીરાચંદ પ્રાગજી મહાલકારી હતા, તેમજ થોડાં વરસ મારા પિતાશ્રી રા. કિરતચંદ ચતુર્ભુજ ત્યાંના પોસ્ટ માસ્તર હતા, એથી શ્રીમદ્ તથા તેમના કુટુંબનો અમારા કુટુંબને સારો પરિચય હતો. લઘુવયથી જ બુદ્ધિશાળી હોવાથી, તેમજ જે શાળામાં શ્રીમદ્ અભ્યાસ કરતા તે પોસ્ટ ઓફિસના નિકટ જ હોવાથી શ્રીમદ્ અને મારા પિતાશ્રીને વિશેષ પરિચય થયેલો. વવાણિયામાં અંગ્રેજી શાળા નહોતી તેથી શ્રીમદ્દ્ન બુદ્ધિબળ જોઈ મારા પિતાશ્રી એમને રાજકોટ કે મોરબી અંગ્રેજી શીખવા માટે પ્રસંગોપાત કહેતા. ત્યારે રાજકોટમાં મારા મામાનું ઘર છે અને ત્યાં અંગ્રેજી શીખવા જવા ઘારણા છે આમ શ્રીમદ્ કહેતા.
૧. (૧૭) પર નિંદા એ જ સબળ પાપ માનવું. ૨. (૯) દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. (શ્રીમદ્ રાજચંદ્ર પૃ.૧૪) ૩. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. (પુષ્પમાળા પૃ.૮)