________________
૪૫
શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી
જવા અને ત્યાં અમારાથી બનતા પ્રયાસે સારી રીતે અભ્યાસ કરાવવો; કારણ તેવા પુરુષોથી જૈનમાર્ગનો ઉદ્ધાર થશે એમ સમજી અમો વિનંતી કરવા માટે પ્રથમ તો શ્રી વવાણિયા બંદરે ગયા. ત્યાંથી અમોને ખબર મળ્યા કે તેઓ મોરબી પઘાર્યા છે. મોરબીમાં ખબર મળ્યા કે અત્રેથી ભાઈ ઘારશીભાઈ કુશલચંદ સાથે રાજકોટ ગયા છે. તેથી સાંઢણી પર બેસી અમો અહીં આવ્યા છીએ.
આત્માની અનંત શક્તિઓ છે તે વડે જાણીએ છીએ અમો જ્યારે ગામના ભાગોળે આવ્યા ત્યારે કેટલેક દૂરથી આ મહાન પુરુષ રાયચંદભાઈ દેખવામાં આવ્યા. અત્યાર સુધીમાં તેઓશ્રીને કોઈપણ વખતે અમે નજરે જોયા નહોતા, છતાં તેમના મુખ સામું દ્રષ્ટિ થતાં અમારા મનમાં એવો ભાસ થયો કે આ જ મહાન પુરુષ હોવા જોઈએ, એમ વિચાર થવાથી અમો તરત જ સાંઢણી પરથી ઊતરી પડ્યા અને તેઓશ્રીના સામે ગયા. તેઓ પણ અમારી સામે જ આવતા હતા. તુરત જ અમો બન્ને ભાઈઓને અમારા નામથી બોલાવ્યા કે કેમ હેમરાજભાઈ, કેમ માલશીભાઈ. જેથી અમો તો આશ્ચર્ય પામી ગયા અને તેમને પૂછ્યું કે તમારું નામ રાયચંદભાઈ છે? તેમણે હા કહ્યું. તેથી ખરેખર આપણને જે ભાઈએ જણાવ્યું હતું કે તેઓશ્રી જ્ઞાની પુરુષ છે, તે વાત યથાતથ્ય છે; તેવા વિચારોથી તે જ વખતે નમસ્કાર કરી અમો તેઓશ્રીની સન્મુખે બે હાથ જોડી ઊભા રહ્યા. પછી અમોએ પૂછ્યું કે આપે અમોને નામ દઈ બોલાવ્યા અને અમો અત્રે આવવાના હતા તેમજ આ રસ્તે થઈને આવીશું તથા આ વખતે જ આવીશું વગેરે આપ ચોક્કસ રીતે શા આધારે જાણી શક્યા? અને આ તરફ પઘાર્યા? તે કૃપા કરીને જણાવશો? ત્યારે રાયચંદભાઈએ જણાવ્યું કે “આત્માની અચિંત્ય અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ.”
આ પુરુષને ભણવાનું શું બાકી હોય. આ હકીકત સાંભળતા અમો સ્તબ્ધ બની ગયા અને ઘણું જ આશ્ચર્ય પામ્યા તથા મનમાં વિચાર થયો કે ખરેખર, આ મહાન પુરુષ છે. આ પુરુષને માટે આપણે કાશી દેશમાં અભ્યાસ કરાવવા વિચાર ઘારતા હતા પણ તે વિચારો વ્યર્થ જણાય છે. આ પુરુષને ભણવાનું શું બાકી હોય? ખરેખર આપણા મહતુ પુણ્ય આ જ્ઞાનીપુરુષના દર્શનનો અને સમાગમનો લાભ મેળવી શક્યા છીએ. અમને જે ભાઈએ આ પુરુષના સંબંધમાં હકીકત જણાવી નિમિત્તભૂત બન્યા તે ભાઈનો પણ અમારા પર અત્યંત ઉપકાર થયો છે. આવા વિચારો અમો બન્નેને થયા હતા. ત્યાર પછી તેઓશ્રીની સાથે ચાલતા ચાલતા આપના મુકામે આવ્યા છીએ.
ઉપર જણાવેલી સઘળી હકીક્ત કચ્છીભાઈઓના કહેવાથી સાંભળી હું ઘણો જ આશ્ચર્ય પામી ગયો અને મનમાં ઘણો જ પશ્ચાત્તાપ થવા લાગ્યો તથા આંસુ વહેવા લાગ્યા કે અહો! મારી બહુ જ ભૂલ થઈ છે. મેં બાળક સમજીને અને અધિકારીપદના મદે કરી આ પુરુષને ખરેખર ઓળખી ન શક્યો. જેથી તેઓશ્રીની અવિનય અશાતના મારાથી ઘણી જ થઈ. તેવા વિચારોથી હું તુરત જ શ્રીમદ્ પાસે ગયો, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી બે હાથ જોડી જણાવ્યું કે અત્યાર સુધીમાં આપશ્રીને નહીં ઓળખી શકવાથી મારાથી આપશ્રી પ્રત્યે ઘણી જ અશાતના અવિનય થયો છે. તેને માટે પુનઃ પનુઃ ક્ષમાવું છું. આપશ્રી ક્ષમા કરશો. ત્યારે શ્રીમદે જણાવ્યું કે – “કાંઈ નહીં.”