________________
૨૫
શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન
ભેદભાવ રાખતા નહીં. આથી મારા માતુશ્રી સૌને પ્રિય થઈ પડ્યા હતા.
સંવત્ ૧૯૪પના મહાવદ સાતમે પરમકૃપાળુદેવ લખે છે : “ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંઘાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે;.....(વચનામૃત પત્રાંક ૫૦) કર્મગતિ જાણે તે જાણે. જ્ઞાનીની વાત. કર્મોદય સમજવો વિકટ છે.”
પરમકૃપાળુ દેવનું જીવન સાધુ જેવું પરમકૃપાળુદેવનું જીવન સંસારમાં વિરક્તભાવે હોઈ ઉદાસીનભાવે રહેતા. તે મારા માતુશ્રી સમજતા હતા. પણ શાંતિથી અને સંતોષથી રહી આનંદ માનતા ને પરમકૃપાળુદેવના કાર્યમાં ક્યારેય પણ અવરોધરૂપ થતા નહીં. મારા પૂ.માતુશ્રી ઝબકબાએ કોઈને વાત કરી હતી કે તેમનું મારા પિતાજીનું) સમગ્ર જીવન સાધુ જેવું જ હતું.
તત્ત્વ સમજવા દિવસે લોકોનું આગમન, રાત્રે પણ સ્વાધ્યાયમાં લીન
મારા માતુશ્રી ઝબકબાને મોરબીમાં પાડોશી પૂછતા કે “તમારા વરમાં એવું શું છે કે આટલા લોકો પાછળ ફર્યા કરે છે? તમને કંઈ વાત કરે છે? ઝબકબાએ કહ્યું –એન, મને તો કંઈ સમજણ પડતી નથી. રાત સુધી માણસો તેઓને છોડતા નથી. રાત્રે ઓરડામાં આવે ત્યારે પણ કંઈ વાંચ્યા કરે કે વિચાર કરતા હોય.
પરમકૃપાળુદેવ પોતે ચાખ્યા વગર જ ચીભડાં કડવાં છે કે મીઠાં તે કહી દેતા તેથી પૂ.માને બહુ જ આશ્ચર્ય થતું.
જમાઈના ઉલ્લાસમાં ઘાણી ફટે એકવાર તેઓ મોરબી મારે મોસાળ પઘાર્યા હતા. આવીને ઓટલા પર બેસી ગયા. સામે પાડોશમાં રહેનાર બાઈએ કહ્યું : “તમારા જમાઈ આવ્યા છે, બહાર તો આવો. તે સાંભળી જલુબાઈ એવા ઉલ્લાસમાં આવી ગયાં કે ચૂલે હાંડલું મૂકેલું હતું તેમાં આંઘણનું પાણી મૂકવાનું ભૂલી જઈ ઘોયેલા ચોખા ખાલી હાંડલીમાં ઓરી દઈ બહાર આવ્યા.
એટલે પરમકૃપાળુદેવશ્રીએ કહ્યું : “જમાઈ આવે એટલે ઉલ્લાસમાં ઘાણી ફૂટે.’ કહેવાનો આશય એ હતો કે રસોડામાં ચોખાની ઘાણી ફુટે છે.
ઘરના કાર્ય કરવામાં શરમ શું? વવાણિયામાં મારાં માતુશ્રી ઝબકબા એકવાર કમોદ ખાંડતા હતા ત્યારે પ્રભુ થોડે દૂર બિરાજ્યા હતા અને ગાથાઓ બોલતા હતા. મેં પાંચથી સાત વર્ષની વયે જોયેલી આ વાત છે. તે હજુ પણ યાદ આવ્યા જ કરે છે. મારાં માતુશ્રીને કોઈએ વિનોદમાં કહ્યું કે તમે પૈસાવાળા ઝવેરી કહેવાઓ અને છતાં હાથે કમોદ ખાંડો છો?
આ વાત મારાં માતુશ્રીએ બાપુજીને કરી. બાપુજીએ તેમના માતુશ્રી દેવમાને કહ્યું: “કામ કરવા માટે માણસ રાખી લઈએ તો?” પૂ.દેવમા કહે : “ઘરનું કામ કરવામાં ખોડખાંપણ નહીં. ગામનાં નગરશેઠનાં ઘરનાં પણ કરે અને આપણે પણ કરીએ. મારા માતુશ્રીને સમાધાનકારક જવાબ મળી ગયો.