________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૮
રાજકોટમાં ડોસાભાઈના વડની પાસે સ્મશાનભૂમિની બાજામાં આજી નદીને કિનારે તે પવિત્ર દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. તે સ્થળે સમાધિ મંદિર બાંધવાનો
કેટલાક મુમુક્ષુઓને વિચાર થતાં શ્રી જ્ઞાનચંદ્ર ન્હાટાજીની ઉદાર સખાવતથી સંવત્. ૧૯૯૬ના મહાસુદી ૧૩ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર અસ્તિત્વમાં આવ્યું.
મંદિરમાં તેમનાં પરમ પુનિત પાદુકાજીની સ્થાપના એક આરસની દેરી બનાવી તેમાં કરવામાં આવી. તેમજ એક પબાસન સં.૨૦૦૭માં બનાવી તેમાં પ્રભુની ત્રણ છબીઓની સ્થાપના પૂ.શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનભાઈના વરદ્ હસ્તે કરવામાં આવી. આ સમાધિ મંદિરનો વહીવટ કરવા એક ટ્રસ્ટ કરવામાં આવ્યું. તેના મેનેજીંગ ટ્રસ્ટી મારા સ્વ.બેહન કાશીબહેનના દિયેર શ્રી લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી છે.
ઝબકબાની અજબ સહનશીલતા પ.ક.દેવનો દેહવિલય થયો તેને આગલે દિવસે મારા માતુશ્રીને માળા ફેરવવાનું કહેલું. શ્રી પરમકૃપાળુદેવના દેહ વિલય બાદ પોતે ઉદાસીન ભાવે એકાંતમાં ઝાઝો વખત રહી જે તેમને સ્મરણ આપેલ તે માળા ફેરવતા. આ રીતે પોતાનો જીવનકાળ વ્યતીત કરતા.
પરમકૃપાળુ દેવનો દેહવિલય થયા બાદ પૂર્વના અશુભ કર્મના ઉદયે રેવાશંકર જગજીવનની પેઢીનો આપસમાં કેસ ચાલ્યો ને તેમાં અનેક વિડંબનાઓ પડી, અને ફેંસલો થયો, ત્યાર પછી મારા ભાઈ છગનલાલ અને મારા કાકા મનસુખલાલ એ બેના નામથી છગનલાલ મનસુખલાલના નામની કંપની શરૂ કરી.
ચાર મહિના મારા ભાઈ છગનભાઈ પેઢી ઉપર બેઠા ત્યારબાદ તે બિમાર પડ્યા. બાર મહિના બિમારી ભોગવીને ભાઈ છગનલાલનો દેહ છૂટી ગયો. આથી મારા માતુશ્રીનું જીવન નીરસ થઈ ગયું, અને પ્રભુએ આપેલ માળામાં મન પરોવી રાખતાં. ત્યાર પછી એક વર્ષે મારા લગ્ન થયા પણ મારા માતુશ્રીને તેમાં રસ ન હતો. મારાં લગ્ન પછી ૮ મહિને મારો નાનો ભાઈ રતિલાલ ગુજરી ગયો, આવા દુઃખદ પ્રસંગો એક પછી એક આવ્યા. છતાં મારા માતુશ્રી આવા દુઃખદ પ્રસંગોમાં પણ સહનશીલતા રાખી જીવન વિતાવતાં. ત્યારબાદ મારા માતુશ્રી ઝબકબા પણ બિમાર પડ્યા અને સં.૧૯૭૦ની સાલમાં પ્રભુના સ્મરણમાં શાંતિપૂર્વક દેહ છોડ્યો.
પરમકૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈ મારા પૂ.દાદા શ્રી રવજીભાઈ સ્વભાવના દયાળુ, કુટુંબપ્રેમી અને ઉદાર દિલના હતા. છપ્પનિયાના દુકાળ વખતે તેઓ વવાણિયામાં હતા. ત્યાં તથા આજુબાજુના ગામોમાં તેમણે છૂટે હાથે ખેડૂતોને વિના મૂલ્ય અનાજ આપ્યું હતું. અદા ઘણા જ ભોળા ને ભદ્રિક હતા.
પૂ.શ્રી દેવમાને પ્રભુ પૂછતા : “મા, મોક્ષે આવશો?” પ્રભુનો દેહ વિલય થયો ત્યારે આખું કુટુંબ ત્યાં જ હતું. કુટુંબમાં સૌ સાદા અને સરળ હતા. જેના ઘરમાં પ્રભુ જન્મ્યા તેના સંસ્કાર અને ભાગ્યની શી ખામી હોય? એક પ્રભાતિયામાં કવિએ ગાયું છે કે
રવજીભાઈ રે ભાગ્યવંતમાં સરદાર કે વ્હાલણાં ભલે વાયાં રે, જેના ઘરમાં રે પ્રગટ્યા સંતોમાં વીર કે વ્હાલણાં ભલે વાયાં રે.”