________________
શ્રમનું મહત્ત્વ
જગતમાં તમારે તરવું હોય તો હાથપગ ઉપર ભરોસો રાખો, મહેનત સાથે મહોબત રાખો. જેનું શરીર કેળવાય છે તેનું મગજ પણ સાથોસાથ ખીલે છે. બુદ્ધિનો એકલો વિકાસ નકામો છે. તેથી જગતને ફાયદો નથી.
બુદ્ધિ સાથે શારીરિક શ્રમ માટેનો પ્રેમ ખીલવો જોઈએ. ઉદ્યોગ અને વિદ્યાનો એકતાર
થતાં અદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે.
જન્મથી દરેકને કુદરતી શક્તિ મળેલી હોય છે. તેના વિકાસથી તે તરી કે ડૂબી શકે છે.
દુનિયા સાથે બાથ ભીડવી હોય તો અપંગ થવું ન પોસાય. પાંગળા થઈએ તો હિંદુસ્તાન ઉપર બોજારૂપ થઈ પડશું. તમને જે મળ્યું છે તે બીજાને આપવા તૈયાર રહેવું જોઈએ.
૨૨
કેળવણીમાં ક્રાંતિ
યુનિવર્સિટીનો પાક આટલો સડેલો કેમ છે ? તેનામાં તેજ કેમ નથી ? સ્વરાજ ભોગવવાનો તેનામાં ઉત્સાહ કેમ નથી ? જે અભણ માણસોમાં તેજ જોઉં છું તે પણ તેમનામાં કેમ નથી દેખાતું.
આજના પ્રસંગે શિક્ષકોને ઉપદેશ આપવો એ કેળવણીકારોનું કામ છે. હું તો બીજા ક્ષેત્રમાં પડ્યો છું. દુનિયા એ જબરદસ્ત વિદ્યાલય છે. એ મહાવિદ્યાલયની ડિગ્રી ઝટ ઝટ મળતી નથી. દરેક એમ સ્વીકારે છે કે આજની કેળવણીમાં ખામી છે, એને સુધારવી જોઈએ.
છતાં હિન્દુસ્તાનમાં એટલી દુર્બળતા આવી છે કે નવો માર્ગ લેવા કોઈ તૈયાર નથી. આપણામાં કંઈ સાહસ નથી રહ્યું, આપણે ભીરુ થઈ ગયા છીએ. એ કારણે કેટલાક નવા માર્ગે જવા તૈયાર નથી. આજની કેળવણીમાં ક્રાંતિ કરવાની જરૂર
છે.
૨૩