________________
ગરીબાઈથી ઘડતર | આપણો મુલકે ગરીબ છે, આપણે પોતે ગરીબોમાં રહેવાનું રહ્યું. એ ગરીબીમાં પણ આપણે સુવાસ ફેલાવવી છે. ગરીબાઈ એ કોઈ પણ પ્રકારની એબ, દોષ નથી. ગરીબાઈનો મારો પોતાનો બચપણનો દાખલો આપું. આઠ દિવસનું ભાથું ખર્ભ લઈ પેટલાદ જતા અને પાંચસાત છોકરા સાથે એક કોટડીમાં રહેતા અને હાથે રાંધીને ખાતા. મારાં મા મને રેલવેની કોટડી સુધી અહીં મૂકવા આવતાં કે રેલવેમાં બેસવા ન લલચાઉં.
આ છાત્રાલયનું મકાન જોઈને હું પેલા મંદિરના ખંડેરમાં રહીને ભણતો એનું સ્મરણ થાય છે. અમારા છાત્રાલયના પ્રમાણમાં આ તો મહેલ જેવું છે. પણ મકાન માણસને નથી બનાવતું. અમે કરમસદથી પેટલાદ આઠ દિવસનું ભાથું લઈ જતાં અને હાથે રાંધી ખાતા. ગરીબાઈમાં માણસ જેવો ઘડાય છે તેવો શ્રીમંતાઈમાં નથી ઘડાતો.
- અહિંસક શક્તિ | જગતનો અન્નદાતા ખેડૂત છે. એ ન પેદા કરતો હોય તો આપણે શહેરમાં રહેનાર ભૂખે મરીએ. જે જગતનું પોષમ કરે છે, એ કાયર લેખાય છે. એની શક્તિનું એને ભાન કરાવવું જોઈએ. એ જ પ્રમાણે મજૂરોને પણ સ્વાશ્રયનો પાઠ શીખવવો જોઈએ.
કારખાનાના મજૂરો ભલે ટ્રેડ યુનિયનમાં દાખલ થાય, પણ એના ધ્યેયમાં, સાધનમાં કોઈને શંકા ન પડવી જોઈએ.
‘શુદ્ધ અને શાંતિમય’ – એ માટે પોતાના મનમાં પાકા ફેર રાખવામાં આવે તે બરાબર નથી. કોઈ વખતે કોઈ મજૂર વીફર્યો તો કારખાનાના મેનેજર, માલિકને મારી શકે, પણ એમાંથી એને જે વેઠવું પડે છે; એનો તો જેને અનુભવ થયો હોય તે જાણે છે. અહિંસક સંગઠનમાં આપણી ખરી શક્તિ રહી છે.