________________
દૂબળાની પ્રથા
દૂબળાની પ્રથા આપણને લજવનારી છે, કારણ કે આપણે માણસાઈનો હક ખોઈ બેસી જાનવરની દશા ભોગવતા થયા છીએ. ગઈ વખતે હું અહીં આવેલો ત્યારે મેં કહેલું કે ખેડૂતોને ત્યાં દૂબળા થયા તેના કરતાં તેમને ઘેર ઢોર થયા હોત તો તેઓ પોતાના ઘરમાં એક ગાળો તમારે રહેવા માટે કાઢી આપત. દરેક ખેડૂત પોતાનાં ઢોરને ઘરના એક ગાળામાં ખાસ રાખે છે. રાતને વખતે ઢોર ભૂખ્યું થાય તો ઢોરનો માલિક અથવા તેના ઘરની બાઈ ઊઠી તેને ઘાસચારો નીરે છે, પાણી પાય છે અને માવજત ખાતર શરીરે હાથ ફેરવે છે. ખેડૂતો ઢોરને પણ ઘરમાંનો ગાળો કાઢી આપે તો માણસ જેવા માણસોને ગુલામીમાં રાખે એ ભયંકર પાપ છે. પણ આપણે માણસ હોવા છતાં આપણા માણસ તરીકેના હુક ગયા છે, અરે ઢોર તરીકેનાયે હક ગયા છે.
૩૮
ગુલામીની આદત
તમને પોતાને એટલી પણ ખબર નથી કે જે માણસ લગ્ન કરે છે તેનામાં ઘર માંડવા અને ચલાવવાની શક્તિ હોવી જોઈએ. જે સંસાર માંડે છે તેને માથે જવાબદારી આવે છે. પોતાની સ્ત્રી અને કુટુંબનું રક્ષણ કરવાની, ભરણપોષણ કરવાની જેનામાં શક્તિ હોય તેને જ આ જગતમાં લગ્ન કરવાનો હક છે. જેનામાં શક્તિ નથી તેણે કુંવારા રહેવું જોઈએ. પણ કુંવારા રહે તેણેયે સ્વતંત્ર તો રહેવું જ જોઈએ. પણ આ બધું તમને નહીં સમજાય. જે પક્ષી પાંજરામાં રહેવાને ટેવાયેલું છે તેને જો તેનો પાળનાર છૂટું કરે તો તે ગભરાય છે અને પાછું પાંજરામાં જ આવે છે. તેમ ખેડૂતો જો આજે હળપતિઓને છૂટા કરે તોયે તેઓ પાછા આવે, કારણ કે ગુલામી પ્રત્યે એમને અણગમો પેદા થયો નથી.
તેથી તેમને હળપતિઓને ઘણું શિક્ષણ આપવાની જરૂર છે. તેમ જ ખેડૂતોને પણ શિક્ષણ આપવાની જરૂર છે. આપણે પોતે જ સમજીને આ ગુલામી પ્રથા નાબૂદ નહીં કરીએ તો કાયદો તો કરશે જ.
૩૯