________________
શુદ્ધિનો ઉપદેશ ] પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું. નઠારાં નામ પાડવામાં આવે છે તે પણ તમારે બદલવાં. કૂતરો, બિલાડો એવાં નામો તે માણસનાં શોભે ? શાળામાં આવો કે તરત શિક્ષકો પાસે સારાં નામ પડાવી લેવાં. મોંમાંથી અપશબ્દ ન બોલો, કોઈને ગાળ ન દો, સૌને માનથી બોલાવો.
તે જ પ્રમાણે શરીર પણ ચોખ્ખું રાખો. કામ કરીને આવો કે તરત નાહી લો. જેમ શરીર સારું રાખવું તેમ મોં પણ બગાડવું નહીં. જે સુંદર મુખમાંથી મધુર વચનો અને રામનું નામ બોલવાનાં છે તેમાં દારૂતાડી નાખવાં તે પાપ છે. તમારું વધારેમાં વધારે નુકસાન કર્યું હોય તો તેણે કર્યું છે. તમને લાગે છે કે તેનાથી થાક ઊતરે છે પણ તે ખોટું છે. તે તો શક્તિ અને ધન હરે છે.
- દુ:ખનો છેડો નજીક | જો દેશમાંથી ગુલામી કાઢવી હોય તો જે સૌથી વધારે ગુલામ છે તેમને પહેલાં સુખી કરવા પડશે. શરીરમાં ચાંદું હોય તે પહેલાં કાપી કાઢવામાં આવે તો જ શરીરને સુખ થાય. તમે ગામેગામ આ મારો સંદેશો લઈ જજો; હવે દુઃખનો છેડો નજીક આવ્યો છે. પણ પ્રથમ પગથિયા તરીકે દારૂતાડી જવાં જોઈએ. કોઈ ઠેકાણે કજિયા થવા ન જોઈએ. જો તમે સમજો નહીં, ગુસ્સો કરો, લાકડી ચલાવો અને તોફાને ચડો તો તમે પછડાવાના; કારણ ગુનો કરે તે રાંક બની જાય છે. ગુનો કરનાર ઉપર બીજા ચડી બેસે છે. તમારામાંના કેટલાક જો મર્યાદા છોડે, તોફાને ચડે તો તે પછડાશે. માટે ગુસ્સામાં આવી કાંઈ તોફાન કરશો નહીં. આ શાળામાંથી તમને અનેક પ્રકારના લાભ પહોંચવાના છે. પણ તે તો દારૂતાડી છોડશો તો જ પહોંચશે; કારણ કે તે વિના તમારું અજ્ઞાન કેમ ટળશે ?
[ ૭૩ ]