________________
| આપણું કર્તવ્ય | સરકાર શું કરે છે એ તરફ જોયા વિના આપણું કર્તવ્ય શું છે એનો જ વિચાર આપણે કરવો જોઈએ. એટલા માટે જ સ્વદેશીનો સંપૂર્ણ અંગીકાર કરવાનું પ્રજાને સુચન થયું છે. વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં કાંઈ ઝાઝો ભોગ નથી આપવાનો. જો એટલો ભોગ ન આપવાનો હોય તો પછી છેલ્લો રસ્તો એ જ રહ્યો છે કે તુરંગો ભરવા માટે મોટી સંખ્યામાં તૈયાર થવું. મુદત હવે લાંબી નથી. ડિસેમ્બર સુધીમાં આપણે હિસાબ પતાવી દેવાનો છે.
તે દરમિયાન દરે કે સ્વદેશીવ્રત પાળતા થઈ જવાનું છે. હજી પણ કોઈ બાકી રહ્યા હોય તો તેમને માટે મહાત્મા ગાંધીજીની જયંતી પ્રસંગે વિદેશી કાપડની ત્રીજી વાર હોળી થવાની છે, તે વખતે બાકી રહ્યા હોય તેમણે ગુલામીમાંથી છૂટવાનું છે.
મૂંગી સેવા | ગ્રામસેવાના બદલામાં કોઈ હાર પહેરાવનાર, એનું સરઘસ કાઢનાર, તાળી પાડનાર કે માંચડે બેસાડનાર નહીં મળે.
ઊલટું એને તો રોટલા કાઢવા પણ મુશ્કેલ પડે અને હરિજનસેવા કરે તો વળી પાણીનાયે વાખા પડે. આવી બધી પ્રતિકૂળતાઓમાં જે માણસ અડગ રહે તે જ ગ્રામસેવક બની શકે છે, એ જ સાચો સિપાઈ છે.
સ્વરાજ્યનું આવું બે પ્રકારનું કામ છે. પણ ઘણા એ વસ્તુ સમજતા નથી અને લડાઈ શાંત હોય ત્યારે પણ અધીરા થઈ જાય છે. બાબરા ભૂતની જેમ તેમને ગમે તેની સાથે લડવાનું જોઈએ છે.
સરકાર સાથે લડવાનું બંધ થયું, તો તેઓ અરસપરસ લડવા લાગે છે. એવા માણસ ગ્રામસેવક નહીં થઈ શકે.