________________
અમર બલિદાન
અનેક વીરો અને વીરાંગનાઓએ પ્રશસ્ત રીતે ચલાવેલા સત્યાગ્રહ યુદ્ધમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા તેવા ઇતિહાસને અજાણ્યા, કીર્તિનાં કદી સ્વપ્નાં ન જોનારા એવા અનામી વીરોનાં અમર નામોની પણ મારે નોંધ લેવી જોઈએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપો. તેમનાં બલિદાન આપણને આત્મશુદ્ધિને પંથે ચડાવો અને આપણને વધારે ભોગ આપવા અને વધારે તપશ્ચર્યા કરવા પ્રેરો.
નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે. તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું એના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે.
૫૩
આપણાં દુઃખો
સરકાર સાથે લડવાનું તો મીઠું લાગે છે, પણ યાદ રાખજો કે મારે તો તમારી જોડે પણ લડવું પડવાનું
છે. ખેડૂત પોતાની ભૂલોથી દુઃખી થઈ રહ્યો છે. તે ભૂલો હું સુધારવા માગું છું. તેમાં હું તમારો સાથ માગું છું. બારડોલી તાલુકાની બહેનો, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યો છે, મને ભાઈ સમાન ગણ્યો છે, તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે.
હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે છતાં તમે જો ન ઇચ્છો તો સુખી ન જ થઈ શકો. સત્તાના જુલમો સામે તમે લડો એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણી પોતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુઃખી થઈએ છીએ, આપણે પોતે જ આપણાં દુ:ખો માટે જવાબદાર છીએ, તો તે સામે શું આપણે ન લડીએ ? તે સારુ તો રાતદિવસ જંગ માંડવો જોઈએ.
૫૩