________________
શક્તિ અને મર્યાદા
હું ખેડૂતોમાં વસનારો એક ખેડૂત છું. ખેડૂતો પાસે હું સ્વચ્છ કામ કરાવવા ઇચ્છું છું, એની સાથે દગો કરવા ઇચ્છતો નથી, એની પાસે દો કરાવવા પણ ઇચ્છતો નથી.
બારડોલીનો અખતરો કરીને હું સૂઈ ગયો નથી. જ્યાં સુધી ખેડૂતોનું દુઃખ મારા દિલમાં વસેલું છે ત્યાં સુધી હું તેને છોડવાનો નથી. હું બારડોલીમાં પોલીસને કહેતો હતો કે, લખોટે, ભરમડે રમો, તમારે સારુ અહીં કશું કામ નથી.
મારા જેવા ખેડૂતનું તમારા જેવા વક્તાઓ અને રાજનીતિકુશળ પુરુષોમાં સ્થાન નથી. મને ખેડૂતમાં કામ કરવાની હથોટી છે, અને એમાં મારી શક્તિ અને એ શક્તિની મર્યાદા રહી છે. ખેડૂતોને ઓળખવા અને જાતે ખેડૂત બનવા મારે વીસ વર્ષનો પાછલો અનુભવ અને સઘળું ભણેલું ભૂલવું પડ્યું.
૩.
કટુ છતાં હિતકારી
હું પોતેય કિસાન છું. કિસાન કુટુંબમાં જન્મ્યો છું. એમાં જ ઊછર્યો છું. કિસાન કુટુંબોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂવામાંથી બહાર આવી હું જગતનો પ્રકાશ જોઈ શક્યો છું. કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હું સારી રીતે જાણું છું.
હિંદના સેનાપતિની મને જગા આપી છે. હું ખેડૂત છું. ચોખ્ખી વાત કરીશ. દૂધ અને દહીંમાં પગ નહીં રાખું. સફાઈની જૂઠી જૂઠી અને ખોટી વાતો મને આવડતી નથી. મારી પાસે પ્રપંચ નહીં ચાલે.
હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતની જીભમાં મીઠાશ હોય નહીં. મારી જીભ કુહાડા જેવી છે અને મારી વાત કડવી લાગે તોપણ આપણા બેઉના હિતની છે. હું સાફ વાત પસંદ કરનારો છું.
૩૯