________________
ન મારું અને તમારું કર્તવ્ય | મને તમે જેનો (ગાંધીજીનો) શિષ્ય કહો છો તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિશે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિશે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત.
મને આશા છે કે હિન્દુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહીં કર્યા હોય, જેમણે એમના શરીરની નહીં પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ.
કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિશે નિર્ભય છું. એમણે પોતે કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે.
ન કોરો કાગળ માત્ર ) બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયા ને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્ર ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય એવી દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જ ડીબુટ્ટી આપનારને છે.
જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણ મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ, જો આ માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાય અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.
{ ૩૭ ]