________________
એશિયા છોડો
આજ સુધી યુરોપના લોકોએ એશિયા અને આફ્રિકાનું લૂંટી ખાધું એનું પાપ ફૂટી નીકળ્યું છે. આફ્રિકાના લોકોએ કાંકરી મારી નથી છતાં એને વાઘવરુની માફક ફાડી ખાય છે. તુલસી હાય ગરીબકી. એનું (યુરોપિયનોનું) રાજ્ય ક્ષીણ થઈ રહ્યું છે. યુરોપિયનોને આખું એશિયા છોડવું જ પડશે. જ્યાં સુધી એશિયા નહીં છોડે ત્યાં સુધી જગતમાં શાંતિ થવાની નથી. ‘હિંદ છોડો'થી આગળ વધીને હું કહું છું કે ‘એશિયા છોડો'. એશિયાનો એકેએક દેશ સ્વતંત્ર થવો જોઈએ.
એશિયા છોડો કહું છું ત્યારે અહીં આપણા દેશમાં દીવ, દમણ, ગોવા પડેલાં છે એમ એક જણ કહે છે. પણ એકડો ભૂંસાયો એટલે મીંડાં એની મેળે ભૂંસાઈ જવાનાં છે. મને અંગ્રેજો ઉપર રોષ નથી પણ મને રોષ છે હિન્દુસ્તાનની કાયરતા પર, બીજો રોષ છે અંગ્રેજોના સામ્રાજ્ય-વાદ પર અને ત્રીજો રોષ છે યુરોપિયનોના ગુમાન ૫૨. એમના અભિમાનથી આજે દુનિયાની આ દશા થઈ છે.
૩૨
મનની આળસ
મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન જ ન થાય, તો મુશ્કેલી ટળે ક્યાંથી ? મુશ્કેલી દીઠી કે, હાથપગ જોડીને બેસી પડવું અને તેને દૂર કરવાની કોશિશ ન કરવી, એ નરી કાયરતા છે.
પુરુષાર્થ મુશ્કેલીઓ ઓળંગવામાં છે પણ માણસ ઘણુંખરું આળસુ હોય છે. અને આળસ શરીરનું જ હોય છે એવું નથી, મનનું પણ હોય છે. હજી આપણામાંના ઘણા લોકો આ માનસિક જડતામાંથી મુક્ત થયા નથી.
જે રિવાજ યા પદ્ધતિ પરંપરાથી ઊતરી આવી છે, જેની રૂઢિ પડી ગઈ છે, અને જે ગાડાંનાં પૈડાંથી પડતા ઊંડા ચીલા જેવી બની ગઈ છે, તેમાંથી બહાર નીકળવાને માટે મહેનત અને ઉદ્યમની જરૂર રહે છે. ચીલાવાળો રસ્તો જોઈએ તો વધારે લાંબો હોય, અરે, ઊંધોયે હોય, તોયે સામાન્ય લોકોનું વલણ ચીલામાંથી બહાર નીકળવાનું હોતું નથી.
૩૩