________________
અંગ્રેજોની મહેમાનગતિ
અંગ્રેજ સરકારને મારે માટે રોજનું ચાર આનાનું ખરચ થયું ને તેમાં હું બાદશાહી કરતો. મને ત્યાં જુવારના રોટલા ને ભાજી મળતી. તેનું મને દુ:ખ નથી. હું નાદાનને ઘેર મહેમાન થયો એટલે તેણે મારું પોતાની સમજ પ્રમાણે સ્વાગત કર્યું. અમારામાંના ઘણાને સરકાર રોજના દસ આનાનો ખોરાક આપવાને તૈયાર હતી, પણ અમારા બીજા ભાઈઓને ચાર આનાનો ખોરાક મળતો હોય ત્યારે અમે દસ આનાથી પેટ ભરવાની ના પાડી. અમે ચાર આનામાં મોજ કરી અને આજે જેઓ જેલમાં છે તેઓને ચાર જ આના મળે છે. અમને સરકારી અમલદારો મળવા આવતા, ત્યારે તેઓ પૂછતા કે, ‘તમે દૂબળા કેમ થઈ ગયા ?' મેં જવાબ આપ્યો કે, ‘તમારી મહેમાનગીરીથી સ્તો ! તમે અમને ચાર આનાનો ખોરાક આપો તેમાં અમે જાડા ક્યાંથી થઈએ ?’
૨૮
ખરું જેલખાનું
ક્યારે પકડાવું અને ક્યારે ન પકડાવું એ હું જાણું છું, તેવું કોઈ નથી જાણતું. મને જે ઘડીએ લાગશે કે અત્યારે મારા જેલ જવાથી દેશની સેવા થાય એમ છે ત્યારે હું તરત જેલમાં જઈશ, અને બહાર રહેવામાં ફાયદો છે એમ લાગશે ત્યાં સુધી બહાર રહીશ.
આ સરકારી જેલ એ તે કંઈ જેલખાનું છે ? ખરું જેલખાનું તો માયાનું બંધન છે. આ આપણા આત્માને જે મોહ, માયા ને કામક્રોધનાં બંધન છે, એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન સ્વેચ્છાથી તોડ્યાં છે એ માણસને આ જગત પરનું બળવાનમાં બળવાન એવું કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી.
આથી જ હું કહું છું કે જેલ તો મને કંઈ હિસાબમાં જ નથી ને આ જિંદગીમાં તો તે મારે મન કંઈ જ નહીં હોય.
૨૯