________________
ઉન્નતિનો આધાર
કેળવાયેલા વર્ગને માથે આ સમયે ભારે જવાબદારી રહેલી છે. પ્રજા અજ્ઞાન છે, પ્રજા તૈયાર નથી એમ કહી તેઓ જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. પ્રજાને કેળવવામાં, તેને જોઈતી તાલીમ આપવામાં, તેને સુમાર્ગે દોરવામાં અક્ષરજ્ઞાનની ખાસ જરૂર નથી. તેને કેળવવાની જવાબદારી તો તેમને જ શિર રહેલી છે. તેનાથી દૂર રહી પોતાના ધંધામાંથી ફાજલ પડતા વખતમાં મ્યુનિસિપાલિટી, લોકલબોર્ડ કે ધારાસભાઓમાં જઈને જ સેવા કરવાથી આ કામ બની શકે તેમ નથી.
કેળવાયેલો વર્ગ રાજ્યની અનીતિનાં છિદ્રો સ્વાભાવિક રીતે સહેલાઈથી જોઈ શકે છે, તેને તે ઉઘાડાં પાડે છે, અને તેથી તે સરકારને અકારો થઈ પડે છે. પણ તેટલાથી જ એનું કર્તવ્ય સમાપ્ત થતું નથી. પ્રજાની ઉન્નતિનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર્ય અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલો છે.
**
યુદ્ધની શરણાઈ
ગુજરાત કૉલેજ કાલે સવારે ખાલી થઈ જાય તો તે કૉલેજમાં કાંઈ પશુ-પ્રાણી કે જનાવરોનું પ્રદર્શન ભરવાનું નથી. એ જ મકાનનો આપણે પ્રજાકીય દેખરેખ હેઠળ ઉપયોગ કરી શકીએ તેમ છીએ. માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અસરકારક કામ કરી બતાવવા ખરા સાહિસક થવું જોઈએ. બધાના કરતાં દેશના શ્રેયનો વધારે આધાર તમારા જ સાહસ પર રહેલો છે.
દેશને તમે જ સ્વતંત્ર બનાવવા મોટી મદદ કરી શકશો. તેને માટે યુરોપમાંના દાખલા તાજા છે. અસહકારના યુદ્ધની શરણાઈ વાગી રહી છે. યુદ્ધનો આરંભ થયો છે, તો પછી તે વખતે ‘હું શું કરીશ’ | કે ‘મારું શું થશે’ એવા નિર્માલ્ય વિચારોનો ખ્યાલ નહીં કરતાં સર્વ કોઈ તેમાં ઝંપલાવી ગજા પ્રમાણે મદદ કરવા સજ્જ થઈ રહે.
૪૫