________________
ક્લેશ વિનાનું જીવન
૧૫
[૨] યોગ-ઉપયોગો પરોપકારાય !
આ ચકલાં સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શિખવાડવા ગયેલું? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન’ મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે. મનુષ્યો જ પરણાવવામાં પડ્યાં છે. પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કર ને ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાંને ચોરી કરતાં કોણ શિખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે, પણ એમાં એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું, અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! એટલે મહાદુઃખે કરીને સમતા ઉત્પન્ન ના થાય. કાળનું નામ જ દુષમ !! પછી સુષમ ખોળવું એ ભૂલ છે ને ?
જીવનમાં, મહતકાર્ય જ આ બે ! મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, ‘એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ ‘એબ્સોલ્યુટ’ થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાના હારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે !
પરોપકારથી પુર્વે સથવારે ! જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે, અને મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું અને જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે, એટલે અમે તેને કહીએ કે, જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મજા કરજે, પછી આગળની વાત આગળ ! અને પુણ્યરૂપી મિત્ર જોઇતો હોય તો અમે બતાડી દઇએ કે, ભઇ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઇ ઝાડ એનું ફળ પોતે ખાઇ જાય છે ? ત્યારે કોઇ ગુલાબ એનું ફૂલ ખાઈ જતું હશે ? થોડુંક તો ખાઇ જતું હશે, નહીં ? આપણે ના હોઇએ ત્યારે રાત્રે એ ખાઈ જતું હશે, નહીં ? ના, ખાઇ જાય ?
પ્રશ્નકર્તા : ના ખાય.