Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 12
________________ વળી એમના આત્માની ઉચ્ચતાને કારણે જશોદાબહેનની અંતિમ વિદાય સમયે સહુએ આક્રંદ કે રોકકળ કરવાને બદલે પ્રભુસ્મરણથી શોકવૃદ્ધિના પ્રસંગને ધર્મવૃદ્ધિના પ્રસંગમાં પલટાવી નાંખ્યો. સહુના હૃદયમાં એમની સુવાસ એટલી બધી વસેલી હતી કે એમની સ્મશાનયાત્રામાં સેંકડો લોકો જોડાયાં એટલું જ નહીં, પણ મોમ્બાસાના ઇતિહાસમાં પહેલી જ વાર બહેનો સ્મશાનગૃહમાં ગઈ અને જશોદાબહેનના અગ્નિસંસ્કાર વખતે હાજર રહીને એ પુણ્યશાળી આત્માને વિદાય આપી. આ સમયે ધાર્મિક શિક્ષક રમણિકભાઈએ એક કલાક સુધી વૈરાગ્યપ્રેરક ધર્મબોધ આપ્યો. આમ જશોદાબહેનની ઉત્તમ આરાધનાને પરિણામે ક્ષણભંગુર દેહ તજ્યા બાદ સતત નવ કલાક સુધી વાતાવરણ શોકગ્રસ્તને બદલે ધર્મમય બની ગયું. એ પછી અગિયાર દિવસ સુધી ધાર્મિક શિક્ષક શ્રી રમણિકભાઈએ એકસોથી વધુ ભાઈ-બહેનોને રોજ સવા કલાક ધાર્મિક બોધ આપ્યો, જેનો ઉત્તમ લાભ લીધા બાદ સહુએ પોતપોતાની ભાવના મુજબ જુદા જુદા નિયમો ગ્રહણ કર્યા. જશોદાબહેને જીવનથી તો અનેકને પ્રેરણા આપી, પરંતુ એ રીતે એમના મૃત્યુથી પણ અનેકના મનમાં પ્રેમ અને ધર્મનો પ્રકાશ રેલાવી ગયાં. એમનાં સાસુ સાથે એવો હૃદયનો સંબંધ હતો કે જાણે માતા અને દીકરી ન હોય ! પોતાની ત્રણેય નણંદો સાથે એમનું વર્તન સગી બહેન જેવું જ રહ્યું. એમાં પણ એમનાં સૌથી નાનાં નણંદ પુષ્પાબહેનને સાત વર્ષની ઉંમરે પરદેશ લાવી એમને ભણાવવા માટે જશોદાબહેને ભારે જહેમત ઉઠાવી હતી. આમ કુટુંબ તરફની પોતાની પ્રત્યેક ફરજ એમણે પૂરેપૂરી કાળજીથી બજાવી હતી. ધર્મથી જાગે છે સમતા ગુણ. જશોદાબહેનમાં આવો અજોડ સમતાગુણ હતો. ઈ.સ. ૧૯૪૩માં પોતાના ભાઈ વાઘજી વેલજી ગુઢકા સાથે આનંદ અને ઉલ્લાસપૂર્વક અઠ્ઠાઈ તપશ્ચર્યા કરી. એ પછી બીજી વખત વાઘજીભાઈનાં ધર્મપત્ની જયાબહેન સાથે નવ ઉપવાસ કર્યો. વળી આયંબિલની ઓળીમાં એક જ ધાન્ય અને મીઠા વગરની મોળી ઓળીઓ પણ કરી હતી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68