________________
१७
કર્મયોગનો આનંદ
જીવનમાં કર્મનું સ્થાન શું ? કર્મયોગ કોને કહેવાય ?
કર્મની બાબતમાં પણ દુન્યવી માણસોના કર્મ અને નિઃસ્પૃહી વ્યક્તિના કર્મમાં ભેદ છે : જીવનથી મૃત્યુ સુધીની યાત્રા અને એ પછી જીવની અનંત યાત્રા સાથે કર્મ જોડાયેલું હોય છે. માનવી પ્રમાદ ત્યજીને પુરુષાર્થ કરે, સિદ્ધિ માટે પરિશ્રમ કરે, એ સામાન્ય પ્રકારનું કર્મ ગણાય.
જેણે કર્મયોગ સાધવાનો હોય છે તેણે તો પોતાના કર્મમાં માનવતાની વ્યાપક દૃષ્ટિ, ઉચ્ચ ભાવનાઓનો ઉદ્ઘોષ તેમજ વિશ્વની સાથે એકરૂપ કે સમરસ થવાની દૃષ્ટિ કેળવવી પડશે.
મહાભારતના યુદ્ધમાં દુન્યવી કર્મનો અતિ મહિમા જોવા મળે છે. પાંડવો અને કૌરવો યુદ્ધના નિયમો મુજબ સાંજે શસ્ત્રો હેઠાં મૂકી દઈને વિશ્રામ કરતા, પરંતુ એ સમયે અર્જુનના સારથિ શ્રીકૃષ્ણ આરામને બદલે રથના અશ્વો છોડીને તેમને પાણી પાવા લઈ જતા. તેમને ખરેરો કરતા અને તેમના શરીર પર લાગેલા ઘા સાફ કરતા.
કર્મયોગનો અર્થ એ છે કે વ્યક્તિ સમષ્ટિને કાજે કર્મ કરે. વ્યક્તિ-વ્યક્તિને કાજે કાર્ય કરે, પોતાનું શરીર ઘસે, નોકરી કરે એ તો બધું જ સ્વાર્થના સંકુચિત વર્તુળમાં સમાઈ જાય. આવાં કર્મોમાં સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સંપત્તિની આસક્તિ રહેલી હોય છે. જ્યારે કર્મયોગી કર્મ કરે ત્યારે ફળ અંગે કોઈ આસક્તિ ધરાવતો નથી. એ તો માત્ર પોતાનાં કર્મોમાં જ ડૂબેલો રહે છે અને સમાજ કે સૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરતો રહે છે. આવો કર્મયોગ કરનારને સૌથી મોટી પ્રાપ્તિ આનંદ અને સંતોષની હોય છે.
17