Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 38
________________ ૨૩ પરિગ્રહ એટલે હિંસા આખું વિશ્વ હિંસાની જ્વાળાઓથી લપેટાયેલું છે. માનવી હિંસાની પરાકાષ્ઠા પર પહોંચ્યો છે અને એથી જ એને મોડે મોડે પણ અહિંસાની અગત્ય સમજાવા લાગી છે. જગતની માફક જીવનમાં પણ હિંસાની ઉપાસના ચાલે છે. એકની પ્રવૃત્તિ બીજાનો પરિતાપ બની રહે છે. વ્યક્તિ અનેક માનવીઓને દુ:ખ પહોંચાડીને પોતાના સુખનું સર્જન કરે છે. એકનો આનંદ અનેકોની વેદનાનાં અગણિત આંસુઓથી સર્જાયેલો હોય છે. કોઈને પ્રયોજન વિના બીજાને હણવામાં મોજ આવે છે. ક્યાંક પ્રતિક્રિયાથી હિંસાનું આચરણ થાય છે. આણે મને માર્યો' એવી બદલાની ભાવનાથી અથવા તો “આ મને મારી જશે' એવા ભયમાંથી હિંસા જાગે છે. હળાહળ ઝેર શરીરમાં પેસી જાય તો પાંચ પળમાં છેવટનું પરિણામ આવી જાય, પરંતુ જેના મનમાં હિંસાનું ઝેર દાખલ થયું એ તો સતત મરણની વેદના અનુભવતો જ રહે છે. એને મરણ આવતું નથી. પરિગ્રહ હિંસા કરાવે છે. પ્રમાદ હિંસા કરાવે છે. લાલસા અને વાસના હિંસા કરાવે છે. પરંતુ પારકાની હિંસા કરનારો પોતાની હિંસા કરે છે. અન્યને પીડનારો પોતાની જાતને પીડે છે. જે બીજાની બાબતમાં બેદરકાર હોય છે તે પહેલાં તો પોતાના આત્માની બાબતમાં જ બેદરકાર હોય છે. હિતને જાણનારો કદી હિંસા કરતો નથી. અહિત કરનારો કદી અહિંસક રહી શકતો નથી. માત્ર બીજાની કાયા હણવાથી જ હિંસા થતી નથી. કોઈનું મન દુભાવવાથી અથવા તો કટુ વચન કહેવાથી પણ પણ હિંસા થાય છે. કોઈના પર ગુસ્સો કરવો કે કોઈનું અપમાન કરવું એ એની કાયા હણી નાખવા જેટલી જ હિંસા છે. મન, વચન અને કાયાથી હિંસા ન થાય એની અહિંસક માણસ સદા તકેદારી રાખે છે. આત્મજાગૃતિ અને અપ્રમાદ એ અહિંસક માનવીનાં આગવાં લક્ષણ છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68