________________
૨૨
- મૃત્યુની ઓળખ મૃત્યુથી જે સદાય ડરે તેને મૃત્યુ અહર્નિશ ડરાવે.
ભય એ અજ્ઞાનનો ઉપાસક છે. જેટલો વધુ ભય, તેટલું વધુ અજ્ઞાન !
ભયભીત માનવીએ મૃત્યુને માન્યતામાં લપેટીને સંતાડવા કોશિશ કરી. એની આસપાસ જડ ક્રિયાઓના પહેરા ગોઠવી દીધા.
સચ્ચાઈના શબ્દને રૂંધવા આકંદનો આશરો લીધો. પરિણામે મૃત્યુ વધુ ભયાવહ લાગ્યું.
માનવજીવનની સૌથી મોટી ભૂલ જ એ કે એણે મૃત્યુનો ભય સેવ્યો. પરિણામે મૃત્યુ આવે તે પહેલાં સેંકડો વાર ડરતો રહ્યો. મૃત્યુ પામે તે પહેલાં હજારો વાર રડતો રહ્યો. મૃત્યુ થાય તે પહેલાં લાખો વાર મૃત્યુ પામતો રહ્યો.
બીજી બાજુ મૃત્યુ માથે તોળાતું હોય, પીડાનો સાગર પારાવાર ઊછળતો હોય, વેદનાના વાવંટોળ શરીરને ધ્રુજાવતા હોય, છતાં મુખમાંથી ચીસ નીકળતી ન હોય, ચીસ તો શું, વેદનાનો એક સિસકારો થતો ન હોય, બલકે ચહેરા પર આનંદનો સાગર લહેરાતો હોય, તેનું કારણ શું?
દેહ અને આત્માનો ભેદ જાણનારને પ્રતીતિ હોય છે કે આ શરીર અને એમાં વસતો આત્મા એકસાથે હોવા છતાં એમની વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે.
વેદના શરીરને છે. વૃદ્ધત્વ દેહને છે. આત્મા તો એ જ નિત્યનૂતન
આ જીવનમાં આત્મા છે ને મૃત્યુને પેલે પારના જીવનમાં પણ આત્મા છે.