________________
૨૦
વહાલા ભગવાન અમે તો ભગવાન સાવ નીચેના પગથિયે બેઠાં છીએ. અમે અમારે માટે જ કમાઈએ છીએ, અમારે માટે જ ખાઈએ છીએ, ને અમારે માટે સાચવી રાખીએ છીએ અને આમાં જ અમારા દિવસો, મહિનાઓ, વર્ષો, આખું આયુષ્ય વીતી જાય છે. અમારે માટે, ફક્ત અમારે માટે અમે ખર્ચીએ છીએ અમારી જાત અને કોઈના માટે ક્યારેય કંઈક કરવાનો પ્રસંગ આવે તો કહીએ છીએ : અરે, મને વખત ક્યાં છે ? ક્યાં છે આંટાફેરા ખાવાની શક્તિ ? મારી પાસે એટલા પૈસાયે ક્યાં છે ? બીજાને મદદ કરવાને અમે સમર્થ નથી એમ અમે કહીએ છીએ કારણ કે બીજાને મદદ કરવાની અમારી વૃત્તિ નથી હોતી. અને પછી ભગવાન, ભલેને અમે તારી ગમે તેટલી ભક્તિ કરીએ તું અમારા પર કેવી રીતે પ્રસન્ન થાય ? વહાલા ભગવાન, અમને એ શાણપણ આપ કે અમે સમજી શકીએ કે દરેક સુંદર ઊંચી બાબતને પામવાની શરૂઆત ઘરથી જ થાય છે. નીચેના પગથિયેથી અમે ઉપર ચડવાની શરૂઆત કરીશું તો જ કોઈક દિવસ અમે આખી વસુધાને કુટુંબ માનવાની વિશાળતા પામી શકીશું : કે અમે અમારાપણાની સીમાઓ અતિક્રમીશું તો જ તારી અસમતા ભણી આરોહણ કરી શકીશું.