________________
૧૮
આપવાનો આનંદ
થોડા સમય પહેલાં ૮૪ વર્ષની ઉંમરના વડીલને મળવાનું થયું, ત્યારે જાણવા મળ્યું કે તેમનું સંયુક્ત કુટુમ્બ છે. વહુ, છોકરાઓ, ઘરમાં સૌ કોઈ તેમનો પડ્યો બોલ ઝીલી લેવા તત્પર હોય છે; આમ છતાં, વડીલ સ્વાવલંબી જીવન જીવવા પ્રયત્નશીલ રહે છે. પોતાના દરેક કામ જાતે જ કરી લે છે. પોતાને પાણી પીવું હોય તો જાતે જ ઊઠીને પી લે છે. કોઈ પાસેથી કશી અપેક્ષા ન રાખે; જમવાના સમયે જે રસોઈ બની હોય તે આનંદથી જમી લે.
વાતચીતમાં વડીલે કહ્યું, ‘શરીર કામ આપતું હોય ત્યાં સુધી શરીર પાસેથી શા માટે કામ ન લેવું ? પોતાની જાતને પરાવલંબી શા માટે બનાવવી ? એક વખત પરાવલંબી બન્યા પછી, કામ કરવામાં આળસ થશે; શરીર પરવશ બની જશે; કોઈ વખત કોઈ કામ સમયસર નહિ થાય તો મનમાં ઉદ્વેગ થશે; તેના કરતાં સ્વાવલંબી જીવન શા માટે ન જીવવું ? સ્વાવલંબી જીવનનો જે આનંદ છે તેવો આનંદ પરાવલંબી જીવનમાં નથી.’
આપણા પરિવાર પાસેથી કે કુટુમ્બીજનો, સગાં, સ્નેહીઓ પાસેથી પ્રેમપૂર્વક સ્વેચ્છાએ જે સહકાર-પ્રેમ મળે તેમાં પ્રસન્નતા અનુભવીએ; તેમાં સંતોષ માનીએ; આપણાથી બને તેટલો બીજાને સહકાર આપવો, પ્રેમ આપવો; સૌજન્યભર્યો વ્યવહાર રાખવો; કોઈ પાસેથી બદલાની અપેક્ષા ન રાખીએ. જીવનને સંતોષી અને આનંદી રાખવાનો આ માર્ગ છે.
એક સિદ્ધાન્ત લક્ષમાં રાખવા જેવો છે કે જીવનમાં આપવામાં જે મજા છે તે લેવામાં નથી. કોઈ પણ જાતની બદલાની કે પ્રશંસાની આશા રાખ્યા વિના આપવાથી અંતરમાં અનેરો આનંદ ઉદ્ભવે છે. જીવનને આશા અને ઉમંગથી ભરી દેવાનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
18 અને