________________
૧૯ મીનનો વિધાયક આનંદ મૌન એ દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. એક અર્થમાં તો મૌન એ વાતચીત કરવાની સૌથી મોટી અને આગવી કળા છે.
શ્રીમદ્ રાજચંદ્ર પાસે કોઈ બોધ લેવા આવે ત્યારે ઘણીવાર તેઓ મૌનથી જ ઉપદેશ આપતા.
ભગવાન મહાવીરે સંસાર ત્યાગ કર્યા પછી મૌન પાળ્યું હતું. રમણ મહર્ષિ મૌનમાં ઘણો સમય વ્યતીત કરતા. મહર્ષિ અરવિંદ ઘોષે પણ સત્તર વર્ષ સુધી મૌનની આરાધના કરી હતી.
મૌન વિશે કેટલીક ભ્રાંતિ પ્રવર્તે છે. એક તો મૌનને નિષ્ક્રિયતા માનવામાં આવે છે. પરંતુ મૌન એ નિષ્ક્રિયતા નથી, બલકે વિશિષ્ટ પ્રકારની જાગૃતિ છે. હવાની લહેરખી વહેતી હોય, પવનના સુસવાટા વાતા હોય, માનવીઓની ભીડની દોડધામ મચી હોય, આખું વિશ્વ ઉધમાત કરતું ગતિમાન હોય, ત્યારે તમે આ બધાંથી સહેજે લોપાયા વિના જાગૃતિનો અનુભવ કરશો. કંઈક ન કરવામાં પણ ક્રિયા રહેલી છે. આવી મૌનની ક્રિયાથી હૃદયમાં શાંતિ ઊતરશે. કંઈક કરું છું એવો ભાવ મનમાં તંગદિલી ઊભી કરશે, એક પ્રકારનું ટેન્શન પેદા કરશે.
આમ, મૌનમાં પણ કર્મ રહેલું છે. મૌનમાં કર્મમાર્ગનો ત્યાગ નથી. યોગી અરવિંદ તો સૂક્ષ્મ રીતે એમ પણ કહે છે કે માણસ કશું ન કરે, બોલ્યા વગર પડી રહે, તોપણ જે શ્વાસ લેવાય છે તે પણ એક કર્મ જ
મૌન સ્વાભાવિક હોવું જોઈએ. બળજબરીથી લદાયેલું મૌન એ વ્યક્તિમાં કૃત્રિમતા આણે છે. મૌન સાથે માણસના જીવનનો ઉલ્લાસ છલકવો જોઈએ. એની સામે કોઈ બહુ બોલબોલ કરે તોપણ એને કંટાળો આવવો જોઈએ નહીં. સાચા સાધક કે સાચા મૌનીના ચહેરા પર તમે કયારેય ઉદાસીનતા જોશો નહીં, કારણ કે મૌન એ ભાવનો અભાવ નથી, બલકે વિધાયક આનંદ છે.