________________
૧૫
સૌથી મોટી મારી મા
પં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિદ્વાન અને સેવાભાવી હતા. સામાન્ય સ્થિતિમાંથી તેઓ આગળ વધ્યા હતા.
ઈશ્વરચંદ્ર કલકત્તા કૉલેજમાં નોકરી કરે. ઘેર નાનાભાઈનાં લગ્ન લેવાયાં. માતાએ પુત્રને લખ્યું કે જરૂરાજરૂર આ પ્રસંગે આવજે, નહિ તો અમને કોઈને આનંદ નહિ આવે.
પં. ઈશ્વરચંદ્ર ઉપરી પાસે રજા માગવા ગયા. ઉપરી જરા કડક મિજાજના હતા. નીચેના માણસો સાથે કડક હાથે કામ લેવામાં માનનારા હતા. તેઓએ રજાની સાફ ના સંભળાવી !
ઈશ્વરચંદ્ર બહાર આવ્યા. તેઓના અંતરમાં વિચાર થવા લાગ્યો : એક તરફ ઉપરીનો હુકમ, બીજી તરફ માતાની આજ્ઞા ! નોકરીમાં રહીને ઉપરીનો હુકમ તોડાય નહિ. તો પછી નોકરી છોડી દેવી ! તો પછી ખાવું શું !
થોડી વાર ઈશ્વરચંદ્ર વિચાર કર્યો. તેમને લાગ્યું કે માતાની મરજી મોટી વસ્તુ છે. મારે નોકરીનું રાજીનામું આપવું જોઈએ. તેમણે રાજીનામું લખ્યું. ફરી અંદર જઈ સાહેબ સામે રજૂ કર્યું.
ઉપરી સાહેબે આ જુવાનના ચહેરા સામે જોયું. એનો દૃઢ સંકલ્પ જોઈ ખુશ થયો, ને જવાની રજા આપી. ઈશ્વરચંદ્ર ઝટપટ નીકળ્યા : પણ માર્ગમાં નદી બે કાંઠે વહી જાય. તાજું જ પૂર આવેલું !
ઈશ્વરચંદ્ર થોડી વાર વિચાર કરી રહ્યા. તેમને માતા યાદ આવી. અરે, એ રાહ જોતી બેઠી હશે ! તરત એમણે પાણીમાં ઝંપલાવ્યું ! ભયંકર પૂર તરી સામે કાંઠે ઊતર્યા ! જઈને માતાના ચરણમાં આળોટી પડ્યા. માતાએ પુત્રનું માથું સૂંધ્યું !
પં. ઈશ્વરચંદ્ર કહેતા કે મારી મા બહુ ગુણવાળી હતી, એનો એકાદ ગુણ પણ મને મળ્યો હોત, તો મારી જિંદગી સફળ થઈ જાત ! અવી માતાના પુત્ર હોવાનું મને અભિમાન છે.
152207