________________
*
રન
૧૩
આત્મા શાશ્વત છે સામાન્ય માનવીની મતિ (બુદ્ધિ) મૃત્યુ જોઈને મૂંઝાય છે, અસામાન્ય માનવીનું મૃત્યુ જોઈને મૃત્યુની મતિ મૂંઝાય છે.
ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા ત્યારે એમના ચહેરા પર એક પણ લકીર બદલાઈ નહોતી. એ જ પરમ આનંદ, એ જ અગાધ ઉલ્લાસ !
કેન્સરની વેદનાથી પીડાતા રમણ મહર્ષિના ચહેરા પર સમાધિ વેળાએ કોઈ વિકૃતિ નહોતી, બલકે એ ચહેરો પ્રેમની પ્રતિકૃતિ જેવો હતો. ખુદ ડોક્ટરો વિચારે છે કે આવા દર્દમય કેન્સરમાં દેહની વેદનાને પાર કઈ રીતે પહોંચી શકાય ? ચાર-ચાર ઓપરેશન, રેડિયમના ઉપચાર અને છેલ્લે હોમિયોપથીની સારવાર ચાલતી હતી ત્યારે રમણ મહર્ષિએ કહ્યું, શરીરને એની પ્રાકૃતિક પરિસમાપ્તિ પર પહોંચવા દો.
અને થોડા સમય બાદ તેઓ આત્મલીન અને ચેતનારહિત બની ગયા.
‘તમે નિશ્ચિત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે.”
વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ચોથના દિવસે પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ દેહત્યાગના આગલા દિવસે પોતાના લઘુબંધુ મનસુખભાઈ અને અન્યને ઉપરનાં વચનો કહ્યાં, ત્યારે કોઈ કળી શક્યું નહિ કે પવિત્ર આત્માના પ્રયાણનો આ સંકેત છે. બીજે દિવસે સવારે ચૈત્ર વદ પાંચમના દિવસે પોણા આઠ વાગ્યે શ્રીમદ્ રાજચંદ્રજીને દૂધ આપ્યું, ત્યારે તેઓ મન, વચન અને કાયાથી સંપૂર્ણ શુદ્ધિમાં હતા. એમણે કહ્યું, “મનસુખ, દુ:ખ ન પામતો. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” થોડા સમય બાદ બિછાનામાં સૂતા હતા તે પરથી એક કોચ પર ફેરવવાનું કહ્યું. એના પર સમાધિસ્થ ભાવે સૂઈને દેહ અને આત્મા છૂટા પાડ્યા. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ એમની મુખમુદ્રાની કાંતિ વિશેષ પ્રકાશ પામી.