________________
૧૧
લોહી અને દૂધ મુંબઈમાં રાયચંદભાઈ ઝવેરાતનો ધંધો કરતા હતા. વેપાર ખેડે, પણ નીતિ-નિયમથી, પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી.
એક વાર સોદો કર્યો. રાયચંદભાઈએ બાનાની રકમ આપી દીધી. સામાં વેપારી સાથે નક્કી કર્યું કે એણે અમુક ભાવે આટલું ઝવેરાત આ તિથિએ આપવું.
બંનેએ કરારના કાગળ પર સહી કરી. ઝવેરાતના બજારમાં મોટી ઊથલપાથલ આવી. દશા એવી આવી કે વેપારી નક્કી કરેલું ઝવેરાત ખરીદે તો એને ઘરબાર હરાજ કરવાં પડે.
રાયચંદભાઈ ઊથલપાથલથી માહિતગાર હતા. વેપારીની દશા ને વ્યથા કેવી હશે, એનો એમને ખ્યાલ આવ્યો. | સામે પગલે ચાલીને વેપારીની દુકાને ગયા. દૂરથી રાયચંદભાઈને આવતા જોઈને જ વેપારીને પરસેવો છૂટવા લાગ્યો. એને તો પોતાનો કાળ સામે આવતો હોય તેમ લાગ્યું !
વેપારીએ ધ્રૂજતા અવાજે રાયચંદભાઈને કહ્યું : ““માફ કરજો ! હું ગોઠવણ કરી રહ્યો છું. ભલે મારું સર્વસ્વ લુટાઈ જાય, પણ હું બેવચની નહિ બનું. તમે સહેજે ચિંતા રાખશો નહિ.'
રાયચંદભાઈએ કહ્યું : “ચિંતા તને નહિ, પણ મને થાય છે.”
વેપારી વચ્ચે બોલ્યો, “ના, તમે ફિકર ન કરશો. હું બધું વેચીનેય કરારનું પાલન કરીશ.'
રાયચંદભાઈએ કહ્યું : “ભલા માણસ, મારી અને તારી ચિંતાનું કારણ આ લખાણ જ છે ને ? આ લખાણને લીધે જ તારી અવદશા થાય તેમ છે. તો લાવને, તારી અને મારી ચિંતાનો નાશ કરવા આ લખાણનો જ નાશ કરી નાખીએ. આપણે બંને નકામી ચિંતાઓથી ઊગરી જઈશું.'
હજી વેપારી વધુ કંઈ બોલે તે પહેલાં તો રાયચંદભાઈએ એ કરારના કાગળના ટુકડેટુકડા કરી નાખ્યા.