________________
સુખનું સાચું ગણિત સુખનું સાચું ગણિત વિરલ વ્યક્તિઓને જ સમજાય છે. મોટે ભાગે તો ખોટા આંકડા માંડીને જુઠ્ઠા સરવાળા કરવામાં આવે છે. થાક ઉતારવા માટે ઊંઘ શોધીએ છીએ, અને પછી ઊંઘનો પણ થાક લાગે છે.
ભૂખ્યો માનવી ભાવતા ભોજનથી ભૂખ મિટાવે છે, પણ વળી, થોડાક સમયમાં જ ભૂખનું દુઃખ શરૂ થાય છે.
સુખનું સાચું ગણિત સમજવા માટે એને માટે મંડાતી ખોટી રકમો જાણવી પડશે. સુખ અને મોજ વચ્ચે ભેદ તારવવો પડશે.
મોજને જ સુખ માની બેઠા છીએ, અને મન એવી મોજ મેળવવા સતત દોડતું રહે છે. કોઈને ઈદ્રિયોની મોજ જોઈએ છે, કોઈને બૌદ્ધિક કવાયતોમાં મોજ આવે છે. કેટલાકને મન તો નિદ્રા અને અપરસ જેવી બીજી કોઈ મોજ નથી. કોઈને ઠપકો આપવામાં, તો કોઈને ઉપદેશ આપવામાં મજા આવે છે. | મન સદાય મોજનો સાથી અને સંગાથી બની રહેતું હોય છે. નાની સરખી મજાની ના પાડવામાં આવે, તો માનવી કેટલો ઉશ્કેરાઈ જાય છે ! કોઈ યુવાનને સિનેમા જોવાની ના કહેવામાં આવે કે કોઈ વૃદ્ધને જીભના સ્વાદને વશ થતો અટકાવવામાં આવે તો કેવું સમરાંગણ મચી જાય છે ! નાની કે નગણ્ય મજા પણ ન સંતોષાય તો માનવીમાં અપમાન અને અદેખાઈના ભાવ જાગે છે. આ મજાને જ આપણે આનંદ માની બેઠા છીએ. એ આનંદની જીવનભર આરતી ઉતાર્યા પછી એને નિરાશા સાંપડે છે.
સુખ બહારની નીપજ નથી, પરંતુ આત્મામાંથી પ્રાપ્ત થતી વસ્તુ છે. સુખને બહાર શોધનાર મૃગજળની પાછળ દોડનારા છે.
:
-