________________
८
જિંદગી : એક ખુશનુમા ચીજ
આપણી મોટા ભાગની ચિંતાઓ કાલ્પનિક જ હોય છે. માનવીના મનના અભ્યાસ પછી મનોવૈજ્ઞાનિક રીતે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે માનવી જે જે ચિંતાઓ કરે છે તેમાં માત્ર આઠ ટકા જ સાચી ચિંતાઓ હોય છે. જ્યારે બાણું ટકા એવી ચિંતા હોય છે કે જેને સાચા અર્થમાં ચિંતા જ કહી શકાય નહીં.
કાલ્પનિક ચિંતાઓનો ભાર લઈને ફરતા માનવીમાં માનસિક નિયંત્રણનો અભાવ હોય છે એવું નથી પણ એમની વિચારસરણી ભૂલભરેલી હોય છે, એ કારણ મુખ્ય છે. આમ જોવા જઈએ તો આ માનસિક શિથિલતાનો જ એક પ્રકાર છે.
આપણી સમક્ષ ઉપસ્થિત થયેલ પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન આપણે કરતા નથી એથી ચિંતાઓ — ખોટી ચિંતાઓ ઉપસ્થિત થાય છે. વસ્તુસ્થિતિનું યોગ્ય અને સાચું મૂલ્યાંકન કરવાથી આ પરિસ્થિતિને હલ કરી શકાય.
-
આવી વ્યર્થ ચિંતાઓ કરનારના મગજમાં ગૂંચવાડો જન્મે છે અને ક્રમે ક્રમે તેના સ્વભાવમાં પરિવર્તન આવે છે. તેનો સ્વભાવ બગડી જાય છે. તેને આનંદપ્રમોદમાં ભાગ લેવાનું ગમતું નથી. બીજાં આનંદ કરે તે પણ તેને ગમતું નથી. તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. વાતવાતમાં ગુસ્સો પણ કરી બેસે છે. બાળકનો વાંક ન હોય છતાં તેને મારી બેસે છે યા તો ધમકાવી નાખે છે.
તેઓ ભૂલી જાય છે કે આ જિંદગીની મજલ લાંબી છે. જીવન એક ખુશનુમા ચીજ છે. એની માવજત આવી રીતે ન કરતાં પ્રત્યેક પરિસ્થિતિમાંથી આનંદ મેળવતાં શીખવું જોઈએ.
- મુકુન્દ પી. શાહ
8