________________
७
હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે
હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.
શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવુંનવું લાગશે; ત્યારે એની સાથે થોડી રહેમથી વર્તજે એવી મારી વિનંતી છે. તું જાણે છે કે અત્યાર સુધી એ કૂકડાઓનો રાજા હતો, આજુબાજુના કમ્પાઉન્ડનો સરદાર હતો; વળી એની ઇચ્છાઓને સંતોષવા હું હાથવગો હતો.
પણ હવે... બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં આગલાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે. જો બની શકે તો એને આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.
એને શીખવું તો પડશે જ. હું જાણું છું કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી. બધા જ માણસો સાચા નથી, પણ એને શીખવજે કે દર એક કઠિન માણસે એક વીર પુરુષ પણ હયાતી ધરાવે છે. દર એક પ્રપંચી રાજપુરુષોની સામે એક સમર્પણની ભાવનાવાળો રાજપુરુષ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે. એને શીખવજે કે દર એક દુશ્મને એક મિત્ર પણ હોય છે.
ક્રૂર અને ઘાતકી માણસો ઘણી સરળતાથી નમી પડે છે અને તમારા પગ ચાટવા માંડે છે, એ વાત પણ એ શીખે તો સારું.
એને પુસ્તકોની અદ્ભુત દુનિયાનાં દર્શન કરાવજે. આકાશમાં ઊંચે ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગીતો ગાતી મધમાખીઓ અને લીલા ડુંગરાઓ પર ઝૂલતાં પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવા એને થોડીક નિરાંતનો સમય આપજે.
હે જગત, મૃદુતાથી આ બધું એને શીખવજે. પણ એને લાડ લડાવીશ નહિ, કારણ કે અગ્નિમાં તપીને જ સુવર્ણ શુદ્ધ બને છે. મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, પણ હે જગત, બની શકે, એટલું તું કરી છૂટજે, કારણ કે એ મારો નાનકડો મજાનો પુત્ર છે.
7
અબ્રાહમ લિંકન
菠蘿