________________
શ્રી નમસ્કાર મહામંત્ર પર એમને અવિચળ શ્રદ્ધા હતી અને જીવનમાં લાખોની સંખ્યામાં તેનો જાપ કર્યો હતો. સમય મળે દેવદર્શન, સામાયિક, પ્રતિક્રમણ જેવી ધર્મક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હતાં અને અંતરમાં અનેરો ઉલ્લાસ અનુભવતા હતા.
જશોદાબહેન સંસ્કારી પત્રોનો યશસ્વી વારસો મૂકતાં ગયાં હતાં. એમના જ્યેષ્ઠ પુત્ર મનસુખભાઈ શાંત સ્વભાવના અત્યંત કાર્યનિષ્ઠ એવા કુશળ વ્યવસાયી છે અને એમનાં ધર્મપત્ની પુષ્પાબહેન ધર્મ તરફ અગાધ શ્રદ્ધા ધરાવે છે. જશોદાબહેનના બીજા પુત્ર તે સુધીરભાઈ અને એમની પુત્રી તે હેમલતાબહેન. આજે તો આ પરિવાર ઘણો ફૂલ્યોફાલ્યો છે, પણ એમાં સિંચાયેલી ધર્મભાવના સહુના હૃદયમાં જીવંત છે.