________________
રોગ વગર યોગ થઈ શકે
‘ઘડપણમાં દેહ નબળો પડશે એટલે હું લાચાર, અપંગ બની જઈશ’. આ ભય દરેક માણસને ધ્રુજાવે છે. એટલે એ પ્રભુને પ્રાર્થના કરતો થઈ જાય છે કે મને હાલતો-ચાલતો તું ઉપાડી લેજે. પથારીમાં પડીને વર્ષો સુધી કોઈની સેવા લેવી પડે તેવી લાચાર પરિસ્થિતિમાં તું મને ના મૂકતો. આવું દરેક માણસ ઇચ્છે તે સ્વાભાવિક છે.
ઘણા માણસો સાવ છેવટ સુધી સ્વસ્થ રહીને કામકાજ સંભાળતા હોય અને પ્રભુનું તેડું આવે એટલે ‘એ, આવ્યો' કહીને જાય તેવું બનતું હોય છે. ઘડપણ એટલે પથારી પકડવી જ જોઈએ, એવું નથી.
સમ્યક્ આહાર-વિહારનું ધ્યાન રખાય તો એક પણ પ્રકારની માંદગી ભોગવ્યા વગર વૃદ્ધાવસ્થા પણ પસાર થઈ શકે. મૃત્યુ પામવા માટે રોગની ગાડીમાં બેસવું જ પડે એવું કાંઈ અનિવાર્ય નથી.
પરંતુ આપણા મનમાં એક વહેમ ઘર ઘાલી ગયો છે કે ઘરડા થવું એટલે માંદા પડવું. પરંતુ વૃદ્ધત્વ એ કાંઈ રોગ નથી. નિતાંત નિરોગી, સ્ફૂર્તિમય અને સક્રિય વૃદ્ધત્વ પણ હોઈ શકે.
ઉઘાડી નજરે જોઈશું તો આપણી આસપાસ આવા અનેક વૃદ્ધોને જોઈ શકીશું કે જેમની ચપળતા, તાજગી અને સક્રિયતા નજર લાગી જાય તેવી પ્રોત્સાહક હોય છે.
મજબૂત મન હશે તો તનમન મજબૂત રહી શકશે. કહેવાયું છે કે Sound mind in sound body સ્વસ્થ દેહમાં સ્વસ્થ મન. તન-દુરસ્તી અને મન-દુરસ્તી બંનેની આપણને જરૂ૨ છે. એટલે મનમાં ઘર ઘાલી ગયેલો ઘરડાપો દૂર થશે તો શરીરમાંથી પણ ઘરડાપો દૂર થશે.
મીરાં ભટ્ટ
【法
4
―