________________
સંકલ્પ મનુષ્યનું જીવન એટલે જ નિષ્ફળતા અને સફળતાનું સરવૈયું. જીવનમાં સુખદુઃખનો આધાર મનુષ્યની સફળતા અને નિષ્ફળતા પર રહેલો છે. સામાન્ય રીતે સફળતા પ્રાપ્ત થતાં આપણે આનંદ અનુભવીએ છીએ અને નિષ્ફળતા પ્રાપ્ત થતાં દુઃખનો અનુભવ કરીએ છીએ.
આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે નિષ્ફળતા માણસને હતાશ બનાવી તેના જીવનમાં રૂકાવટ ઊભી કરે છે. આ આપણો ભ્રામક ખ્યાલ છે. હકીકતમાં નિષ્ફળતા એ જીવનનો પ્રોત્સાહક અનુભવ છે.
નિષ્ફળતાને કારણે જ અનેક ચમત્કારી અને આશ્ચર્યકારી શોધોનું નિર્માણ થયું છે. જીવનના એક ક્ષેત્રમાં મળેલી નિષ્ફળતા ઘણીવાર બીજા ક્ષેત્રની સંપૂર્ણ સફળતાનું નિમિત્ત બનતી હોય છે.
જીવનમાં સફળતા કે નિષ્ફળતાનો આધાર મનુષ્યની સંકલ્પશક્તિ પર રહેલો છે. સંકલ્પશક્તિનો અર્થ છે કલ્પના કરવી અને તે કલ્પનાને ભાવનાનું રૂપ આપી દેઢ નિશ્ચય કરવો.
જ્યારે આપણી કલ્પના આકાર લે છે અને દઢ નિશ્ચયમાં પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી સંકલ્પશક્તિ બની જાય છે.
જીવનમાં હતાશ થયા વિના સતત પ્રયત્ન કર્યા કરવો એ મનુષ્યનો ધર્મ છે.
- સંતબાલા