________________
૧૬૦ જૈન ધર્મ અને દર્શન
ઋષભના જીવનમાં ઘટેલી હોય કે બીજા કોઈના જીવનમાં ઘટેલી હોય અગર અત્યારે કોઈ સાધારણ વ્યક્તિના જીવનમાં ઘટવાની હોય, પણ વસ્તુતઃ તે બધી સમર્થનપાત્ર છે અને તેનું સમગ્ર જીવનની દૃષ્ટિએ તેમજ સામાજિક પૂર્ણજીવનની દૃષ્ટિએ પૂરેપૂરું સ્થાન છે. જો એક વાર એ વાત સિદ્ધ થઈ અને એ સ્વાભાવિક છે એમ લાગે તો પછી અત્યારના જૈન સમાજના માનસમાં જે ઐકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કારો જાણેઅજાણે ઊતરી આવ્યા છે અને અવિવેકપૂર્વક પોષાયા છે તેનું સંશોધન કરવું એ સમજદારોની ફરજ છે. આ સંશોધન આપણે ઋષભના પૂર્ણજીવનનો આદર્શ સામે રાખી કરીએ તો તેમાં ભગવાન મહાવીર દ્વારા પરિષ્કાર પામેલ નિવૃત્તિધર્મ તો આવી જ જાય છે, પણ વધારામાં વૈયક્તિક તેમજ સામાજિક પૂર્ણજીવનના અધિકા૨ પરત્વેનાં બધાં જ કર્તવ્યો ને બધી જ પ્રવૃત્તિઓનો પણ વાસ્તવિક ઉકેલ આવી જાય છે. આ ઉકેલ પ્રમાણે દુન્યવી કોઈપણ આવશ્યક અને વિવેકવાળી પ્રવૃત્તિ એ સાચા ત્યાગ જેટલી જ કીમતી લેખાશે અને તેમ થશે તો નિવૃત્તિધર્મની એકદેશી જાળમાં ગૂંચવાયેલું જૈન સમાજનું કોકડું આપોઆપ ઉકેલાઈ જશે.
ગીતાનો આશ્રય લઈ હેમચંદ્રે કરેલ નિવૃત્તિધર્મમાં સંશોધન
ઉ૫૨ એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની બધી સાવધ લેખાતી પ્રવૃત્તિઓનો બચાવ કરવો હતો. તેમને વાસ્તે આ એક ચક્રાવો હતો, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દૃષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરોધનો નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આણ્યો હતો. તે જ અનાસક્ત દૃષ્ટિ હેમચંદ્રે અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કર્મમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણનો અંત આવ્યો. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગવાને શાની હોઈ જાણવા છતાં પણ સાવધ કર્મો કર્તવ્ય લેખી આચર્યું. હેમચંદ્રનું આ સમર્થન એક બાજુ જૂની જૈન ઘરેડની દિશાભૂલ સૂચવે છે ને બીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ઘડવા પ્રકાશ આપે છે. ખરી રીતે જ્ઞાની હોય તે તો દોષનું સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે જો દુન્યવી જીવનોપયોગી પ્રવૃત્તિ પણ એકાંત દોષવાળી જ હોય તો જ્ઞાનીએ તો એનો ત્યાગ જ કરવો રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતું હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણ કર્તવ્ય ઠરતી હોય તો અત્યારના જૈન સમાજે પોતાના સંસ્કારમાં આ દૃષ્ટિ દાખલ કરી સુધારો કરવો જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજો વ્યવહાર અને શાસ્ત્રીય માર્ગ છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org